20 કિલોના 8125 રૂપિયાનો ભાવ મળ્યો જામનગર : જામનગર હાપા માર્કેટ યાર્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ જણસીઓના સારા ભાવ ખેડૂતોને મળતા જોવા મળી રહ્યાં છે. મગફળીમાં પણ સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચા ભાવ હાપા યાર્ડમાં ખેડૂતોને મળ્યા હતાં. તો જીરુમાં પણ ખેડૂતોને ઉંચો ભાવ મળ્યો છે. પાછોતરા વરસાદના સમયે જીરુના પાકમાં બગાડ અને નુકસાનની ઘણી બૂમો ઉઠી હતી તેવામાં જામનગર પંથકમાં પાકેલા જીરુના ઉતારાએ ખેડૂતોને ખુશખુશાલ કરી દીધાં છે.
સૌથી ઊંચો ભાવ મળ્યો :જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મળતા સારા ભાવને પગલે અન્ય જિલ્લાઓમાંથી પણ જીરું વેચાણ માટે આવતું હોય છે. જેમાં સારા ભાવ મળવાનું પણ આકર્ષણ આ વર્ષે ઉમેરાયું છે. દેવભૂમિ દ્વારકાના સૂર્યાવદર ગામના ખેડૂત દીપકભાઈ વિઠલભાઈને 20 કિલો જીરુનો ભાવ 8125 રૂપિયા મળ્યો છે. જો કે અન્ય ખેડૂતોને પણ પાંચ હજાર જેટલો ભાવ મળ્યો છે.
આ પણ વાંચો હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાના ખેડૂતો રાજીરાજી, એક્સપોર્ટ ક્વોલિટી અજમો આ ભાવે વેચાયો
ઊંઝા માર્કેટ યાર્ડને ઓવરટેક કર્યું :ખેડૂત દીપકભાઈને જીરુનો ઉંચો ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. જીરુના વેચાણ માટે અત્યાર સુધીમાં ઉંઝા યાર્ડ ખેડૂતોની પ્રથમ પસંદ હતી. ત્યારે હવે જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ જીરુના સારા ભાવ આપી રહ્યું છે. જેના પહલે અહીં હાપા, ગોંડલ,જામજોધપુર સહિતના યાર્ડમાં જીરુનો ખેડૂતોને ઉંચો ભાવ મળી રહ્યો છે. બીજી બાજુ ઊંચા ભાવ આપી ખેડૂતોને રાજી કરવામાં હાપા માર્કેટ યાર્ડે ઊંઝા માર્કેટ યાર્ડને ઓવરટેક કર્યું છે.
ઊંચો ભાવ મેળવનાર ખેડૂતની પ્રતિક્રિયા :જીરુના પાકમાં 20 કિલો જીરુનો ભાવ 8125 રૂપિયાનો ભાવ મેળવનાર ખેડૂતના જણાવ્યા અનુસાર જીરુનો પાક પૂરી માવજત સાથે પકવ્યો હતો. મોલમાં ઊભેલા પાકને યોગ્ય રીતેે ખાતર અને પાણી પૂરા પાડ્યાં હતાં. આવી સમયસરની માવજતના પહલે જીરુના પાકનો સારો ઉતારો મળ્યો છે અને સારી ગુણવત્તાના જીરુંના પાકને સારો ભાવ પણ મળ્યો છે.
આ પણ વાંચો વરસે તો વાગડ ભલો હવે નર્મદાથી લીલાલહેર, એક લાખ હેકટરમાં વાવેતર
યાર્ડ સત્તાધીશે શું કહ્યું : તો આ વિશે હાપા યાર્ડના સેકેટરી હિતેશ પટેલે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ ખેડૂતો મોટી સંખ્યામાં જીરું લઈને યાર્ડમાં આવી રહ્યા છે. રોજ હાપા યાર્ડમાં બે હજારથી ત્રણ હજાર મણ જીરુંની આવક ખેડૂતો લાવી રહ્યા છે. ગત વર્ષે પણ ખેડૂતોને રુપિયા પાંચ હજાર જેટલો ભાવ મળ્યો હતો તો આ વર્ષે રેકોર્ડબ્રેક 20 કિલોના 8125 રૂપિયા ખેડૂતને મળ્યા છે. હાલાર પથકમાં ખેડૂતો સમૃદ્ધ ખેતી કરી રહ્યા છે અને ઉંચી ગુણવત્તાવાળો પાક ઉગાડી રહ્યા છે જેના કારણે ખેડૂતોને ઉંચો ભાવ મળે છે.