જામનગરમાં બિલ્ડીંગ ધરાશાયીમાં મૃત્યુ પામેલાની સ્મશાન યાત્રા જામનગર : ગઈકાલે ન્યૂ સાધના કોલોનીમાં બિલ્ડીંગ ધરાશાયી થતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કાટમાળમાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય છ વ્યકિતને ઇજાઓ પહોંચી છે. ત્યારે આજરોજ સવારે હર્ષદ મિલની ચાલી વિસ્તારમાંથી આ ત્રણેય મૃતકોની સ્મશાન યાત્રા નીકળવામાં આવી હતી. જોકે મૃતક પરિવારની બે દીકરીઓ નોંધારી બની છે. પરીવારની એક દીકરી દેવાંશી સ્કૂલે ગઈ હોવાના કારણે બચી ગઈ છે તો હેતાંશી કાટમાળમાં દબાઈ હતી અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
32 વર્ષ જુના હાઉસિંગ બોર્ડ :સાધના કોલોનીમાં 32 વર્ષ જુના હાઉસિંગ બોર્ડના આવાસ પૈકી બ્લોક નં.69ના 3 માળના બિલ્ડીંગમાં છ ફલેટ સાથેનો અડધો ભાગ ગઇકાલે સાંજે ધડાકાભેર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. 3 માળની આ ઇમારત કાટમાળના ઢગલામાં ફેરવાઇ જતાં બે પરિવારના 9 જેટલા લોકો દબાઇ ગયા હતા.દુર્ઘટનાને પગલે આ વિસ્તારમાં ભારે અફડાતફડી અને નાસભાગ મચી જવા પામી હતી. ઘટના અંગે તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરનો કાફલો દોડી આવ્યો હતો અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કોના મૃત્યુ નીપજ્યા :ઘટનાની જાણ થતાં જ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો દોડી આવ્યા હતા. સાથે-સાથે અહીં 108નો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ તુરંત જ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક પછી એક કુલ 9 લોકોને આ કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન નીચેના માળે રહેતા સાદિયા પરિવારના 35 વર્ષીય જયપાલ રાજુભાઇ સાદિયા, 35 વર્ષીય મિતલબેન જયપાલ સાદિયા 4 વર્ષીય શિવમ જયપાલ સાદિયાના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા હતા. જ્યારે કંચનબેન મનસુખભાઇ જોઇશર, પારૂલબેન અમિતભાઇ જોઇશર, હિતાંશી જયપાલ સાદિયા, દેવીબેન રાજુભાઇ સાદિયા અને રાજુભાઇ ઘેલાભાઇ સાદિયાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત તમામ ભયમુકત હોવાનું હોસ્પિટલ સતાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાનને સહાય કરી જાહેર :જામનગરમાં જર્જરીત ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ દુ:ખની લાગણી વ્યકત કરી હતી. મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યકત કરવા સાથે દરેક મૃતકના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. બનાવ જાણ થતાં જ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ દુ:ખ વ્યક્ત કરી ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
ઇમારતમાં વાયબ્રેશન અનુભવાયું હતું : દુર્ઘટના ગ્રસ્ત 3 માળની આ ઇમારતમાં કુલ 12 મકાન હતા. જે પૈકી 6 મકાનોવાળી ઇમારતની એક સાઇડ તૂટી પડી હતી. છ મકાનો પૈકી બે મકાનોમાં પરિવાર વસવાટ કરતા હતા. જ્યારે 4 મકાન ખાલી હતા. જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ દરમિયાન પ્રત્યક્ષદર્શી અને ઇમારતની બાજુની ઇમારતમાં જ રહેતા પારૂલબેનના જણાવ્યા અનુસાર સવારથી જ ઈમારત નબળી પડી રહી હોવાનું જણાઇ રહ્યું હતું. અનેક જગ્યાએ ધીમે-ધીમે પોપડા ખરી રહ્યા હતા. ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ પોતાના નિવેદનમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે, સવારથી જ આ ઇમારતમાં વાયબ્રેશન અનુભવાઇ રહ્યા હતા. આમ વહેલા સંકેતો મળવા છતાં કેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે.
- Jamnagar News : જામનગરમાં ન્યુ સાધના કોલોની બિલ્ડીંગ ધરાશાયી થતા ત્રણ લોકોના થયા મોત
- Jamnagar Building Collapses: આવાસની ઈમારત ધરાશાયી થતા ત્રણનાં મોત, સાતને ઈજા
- Jamnagar Crime : 20 લાખની લૂંટ પોતે જ કરીને ફરિયાદ નોંધાવી, પોલીસ લાગી ગઇ ધંધે