જામનગરમાં રીંગરોડ પર 10 દુકાનો પર બુલડોરઝર ફરી વળ્યું જામનગર :આજરોજ શહેરના મહાકાળી સર્કલ પાસે ડીપી રોડ પર ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલી 10 જેટલી દુકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, શહેરમાં નડતરરુપ અને ગેરકાયદેસર બાંધકામને મનપાની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડિમોલેશન કામગીરી : જામનગરમાં મહાકાળી સર્કલથી રીંગરોડ પર આજે ગેરકાયદે 10 દુકાનો તોડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પોલીસ બંદોબસ્ત તથા પીજીવીસીએલની ટીમને સાથે રાખી કામગીરી શરૂ કરી હતી. અગાઉ મનપાએ તમામ દુકાન ધારકોને આ અંગે નોટિસ આપી હતી. જોકે, ડીપી રોડ પર ગેરકાયદે 10 દુકાનો બનાવી લેવામાં આવી હતી. જેના વિરુદ્ધ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
એસ્ટેટ શાખાની તવાઈ : મનપાની કામગીરી દરમિયાન દુકાન માલિકોએ ભલામણોનો દોર શરૂ કર્યો હતો. ઉપરાંત દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મનપા એસ્ટેટ વિભાગ દ્વારા જેસીબી સહિતની મશીનરી સાથે દુકાનોના દબાણને દૂર કરવામાં આવ્યું હતું. રસ્તો પહોળો કરવા માટે એસ્ટેટ શાખાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.
શહેરના મહાકાળી સર્કલ પાસે ગેરકાયદેસર દુકાનોને નોટીસ આપવામાં આવી હતી. આજે 10 દુકાનનું બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. -- નીતિન દીક્ષિત (અધિકારી, મનપા એસ્ટેટ શાખા)
દુકાનદારોનો વિરોધ : જોકે કેટલાક લોકોએ આ કામગીરી સામે ઉગ્ર વિરોધ કરી એસ્ટેટ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. ડીમોલેશન દરમિયાન બુલડોઝરનો ડ્રાઇવર ચાલ્યો ગયો હતો. ત્યારે વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવીને બાદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા કમિશનરના આદેશથી આજરોજ સવારે મહાકાળી સર્કલથી રીંગરોડ પર થયેલ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, સુનિલ ભાનુશાળી અને યુવરાજસિંહ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મહાકાળી સર્કલથી રિંગરોડ પરની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
- Jamnagar News : જામનગરમાં 1404 આવાસ તોડવા ડિમોલિશન શરુ થશે, મનપાને રહીશોની ચીમકી
- Jamnagar News : 1404 આવાસના રીડેવલપમેન્ટ સહિત 7.80 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપતી જામનગર મનપા