જામનગરઃ હાલ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જે કારણે હોસ્પિટલમાં પણ બેડની અછત છે. ત્યારે 700 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલના બેડમાં વધારો કરી 1200 કરવામાં આવી છે. ત્યારે ઘરે જ આઈસોલેટ થયેલા કોરોના દર્દીઓને ઘરે બેઠા સારવાર મળી રહે, તે માટે મહાનગરપાલિકા દ્વારા શુક્રવારથી 18 હોમ આઇસોલેશન ટીમ કાર્યરત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકામાં શુક્રવારના રોજ સવારે 11 કલાકે હોમ આઇસોલેશન માટે PG ડૉકટર સાથે 18 રીક્ષા શહેરમાં કરી ફરતી કરવામાં આવી છે. જામનગર શહેરમાં રોજ 90થી 100 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ આ અંગે જાગૃત છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ અને મેયર હસમુખ જેઠવા થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ લીલી ઝંડી આપી તમામ આઇસોલેશન રિક્ષાઓને રવાના કરી હતી.