જામનગર :જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આવું એટલા માટે કહેવાય છે કારણ કે, અહીં કાશીની જેમ અનેક મંદિરો આવેલા છે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ પણ છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે.
કાશી વિશ્વનાથ મંદિર : જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરતાં આ મંદિરના પુજારી સુખદેવ મહારાજે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જામનગરમાં આવેલું આ મંદિર 127 વર્ષ જુનું છે. આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં બ્રાહ્મણો દ્વારા પૂજા, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવી હતી. એ સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઇ પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડ ભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.