હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક જામનગરઃ શહેરના હાપા માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળી અને કપાસની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસ અને મગફળીના સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. મગફળી અને કપાસ ઉપરાંત ખેડૂતો અન્ય 17 જણસીઓ પણ વેચાણ અર્થે માર્કેટ યાર્ડમાં ઠાલવી રહ્યા છે.
મગફળી-કપાસથી માર્કેટયાર્ડ ઉભરાયુંઃ હાપા માર્કેટયાર્ડમાં છેલ્લા પંદર દિવસમાં 1.5 લાખ મણ મગફળીની આવક થઈ છે જ્યારે છેલ્લા 20 દિવસમાં 1.5 લાખ મણ કપાસની આવક થઈ છે. જ્યારે એક જ દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં 16,880 મણ જેટલી મગફળીની આવક થઈ છે. સમગ્ર હાપા માર્કેટયાર્ડ મગફળી અને કપાસથી ઉભરાયું છે. અત્યારે માર્કેટયાર્ડમાં હાજર મગફળીની હરાજી પૂર્ણ થાય ત્યારબાદ નવી મગફળી લાવવી તેવી સૂચના અપાઈ છે. મગફળી-કપાસ ઉપરાંત હાપા યાર્ડમાં બાજરી 33, ઘઉં 658, મગ 23, અળદ 3, ચોળી 3, ચણા 518, એરંડા 143, રાયડો 368, લસણ 8415, અજમો 41, અજમાની ભુસી 41, ધાણી 938, સુકી ડુંગળી 4500 અને સોયાબીનની 1750 મણની આવક થઈ હતી.
તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદે છેઃ તમિલનાડુમાં 6 નંબરની મગફળીનું વાવેતર કરવામાં આવે છે. તેના બિયારણ માટે તમિલનાડુના વેપારીઓ અને ખેડૂતો જામનગરના હાપા માર્કેટયાર્ડમાંથી 6 નંબરની મગફળી અને બિયારણની ખરીદી કરી રહ્યા છે. 9 નંબરની મગફળીનો પણ તમિલનાડુ તેમજ અન્ય વેપારીઓ સારો ભાવ આપીને ખરીદી કરી રહ્યા છે. તેથી હાલાર પંથકના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે.
ખેડૂતોને મળ્યા કેટલા ભાવઃ ખેડૂતોને જાડી મગફળીના 1150થી 1315, કપાસના 1200થી 1540 રુપિયા ભાવ મળી રહ્યા છે. આ ઉપરાંત એરંડાના 1071થી 1120, રાયડાના 995થી 1015, લસણના 1500થી 3110, કપાસના 1200થી 1540, જીરૂના 8000થી 8415, અજમો 2835થી 3605, અજમાની ભુસીના 100થી 1860, ધાણાના 1100થી 1560, સુકી ડુંગળીના 400થી 1000, સોયાબીનના 880થી 1015 સુધીના ભાવે સોદા થયા હતા.
છેલ્લા પંદરથી વીસ દિવસમાં કપાસ અને મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. મગફળી અન કપાસના યોગ્ય ભાવો પણ ખેડૂતોને મળી રહ્યા છે. ખાસ કરીને 9 નંબરની મગફળીની ખરીદી તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે. આ સોદામાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જેવા દૂરના પંથકમાંથી પણ ખેડૂતો મગફળી વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવી રહ્યા છે...હિતેશ પટેલ(સેક્રટરી, હાપા માર્કેટિંગ યાર્ડ, જામનગર)
- જામનગરમાં 400 વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળ
- જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ અપાશે