જામનગર : જામનગર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઠંડીની સીઝનમાં ચોરીના બનાવ બન્યા હતા, જેમાં અમુક ચોરીના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારની ઘરફોડ ચોરી અંગે એલસીબી દ્વારા તપાસ કરીને તસ્કર ટોળકીને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવી છે, જેમાં અસંખ્ય ચોરીની કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે.
એલસીબીએ ઠેબા ચોકડીથી પકડ્યાં : ગેંગના આરોપીઓ દિવસે મહિલાઓના વાળ વેચાતા લેતાં હતાં અને મોકો જોઈ બંધ મકાનમાં ચોરીને અંજામ આપતા હતાં. જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી એક ટોળકીને એલસીબીએ ઠેબા ચોકડી રોડ પરથી પકડી પાડી છે, ત્રણ શખ્સોને રોકડ અને બાઇક સાથે પકડી લઇ સઘન પૂછતાછ કરતા જામનગરના લાલપુર, હરીપર, જગા, ચાવડા, કાલાવડ, ભણગોર, ભાણવડ, સુરેન્દ્રનગર વિસ્તારોમાં કરેલી ચોરીઓની કબુલાત આપી હતી, આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં ચોરી કર્યાની પણ કેફીયત આપતા આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.