પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ જામનગર : જામનગરમાં તાજેતરમાં જ ખીજડા મંદિર ટ્રસ્ટની સ્કૂલના ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયા બાદ અપહરણની ફરિયાદ દાખલ થઇ હતી, જેમાં પોલીસે દિલ્હી, હરીયાણા, જયપુર સુધી તપાસ લંબાવીને ત્રણેયને શોધી કાઢ્યા હતા, જેમાં ત્રણેય વિદ્યાર્થીઓ પોતાની રીતે નીકળી ગયાની તપાસમાં ખુલ્યું હતું, આથી તંત્ર સહિતનાઓએ હાશકારો લીધી હતો. દરમ્યાનમાં અહીંના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં બે તરૂણ ભેદી રીતે ગુમ થયા બાદ કોઇ અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ દાખલ થતાં જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
બાળકના અપહરણની ફરિયાદ :જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાના વતની અને હાલ જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ-૨, પ્લોટ નંબર 741ખાતે રહેતા સુનિલ રામઅવધ ભારદ્વાજે અજાણ્યા ઇસમો સામે પંચકોશી બી ડિવિઝનમાં બાળકના અપહરણ અંગેની ફરિયાદ આઇપીસી કલમ-363 મુજબ ગઇકાલે નોંધાવી હતી.
પોલીસ ટીમ બનાવી બાળકોને શોધવા માટે ગઈ છે. જો કે બાળકો પાસે મોબાઈલ ફોન પણ છે અને ફોનના લોકેશન આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે....મહેશ મોરી (પીએસઆઈ, પંચકોશી બી ડિવિઝન )
અપહરણ કરી ગયા : વિગત અનુસાર ફરિયાદી સુનિલભાઇના 16 વર્ષના પુત્ર અને સાહેદ મનોજભાઇ રામઇશ્ર્વર મોચીના 13 વર્ષના પુત્ર બંને ભેદી રીતે લાપતા બનતાં શોધખોળ આદરવામાં આવી હતી. જો કે, બંનેનો પત્તો મળ્યો ન હતો. આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો અને કોઇ અજાણ્યા ઇસમો ફરિયાદી તથા સાહેદના પુત્રને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાનું જણાવ્યું હતું. આથી પોલીસે ફરિયાદ નોંધી આ અંગેની વધુ તપાસ પંચકોશી બી ડિવિઝનના પીએસઆઇ એમ.એ. મોરી ચલાવી રહ્યા છે.
સીસીટીવી ફૂટેજ ચેકિંગ : જીઆઇડીસી વિસ્તારમાં બે તરૂણ ગુમ થયા બાબતની વિગતો સામે આવતાં આજુબાજુના વિસ્તારો અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે, ગાઇડલાઇન અનુસાર સગીર વયના લાપતા બને એવા પ્રકરણમાં અપહરણની ફરિયાદ લેવામાં આવે છે. તાજેતરમાં જ પ્રણામી ગ્લોબલ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓના પ્રકરણમાં પણ ફરિયાદ દાખલ કરીને ત્રણેયને હરિયાણાથી શોધી કાઢવામાં આવ્યા હતાં. દરમ્યાન વધુ એક મામલો પોલીસ મથકે પહોંચતા ચકચાર વ્યાપી છે.
- Surat Crime: કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર અને બે સગીર બિહારથી ઝડપાયા
- Navsari Crime : નવસારી પોલીસે ત્રણ અપહરણકર્તા દબોચી લીધાં, બાળકોના કબજાનો મામલો હતો કારણ
- Vadodara Kidnapping News : શહેરમાં ત્રણ વર્ષીય બાળકી ગુમ થઇ, ડભોઇ પોલીસની કાર્યવાહિથી અપહરણકારોને ઝડપ્યા