24 મીટર ડીપી રોડની અમલવારી જામનગર : જામનગરમાં મેગા ડિમોલિશન ઓપરેશનમાં શહેરના ખોજાનાકા તરફ જતાં રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી માટે તંત્રનું કડક વલણ સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ટીટોડીવાડીથી ઘાંચીની ખડકી સુધી ડિમોલિશન :જામનગર મ્યુનિ.કમિશનર દિનેશ મોદીની સૂચનાથી આજ વહેલી સવારના 8 વાગ્યાથી જામનગરના ખોજાનાકા તરફ જતાં રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી કરવાની હોઈ વિવિધ ગતિવિધિ જોવા મળી હતી. ટીટોડી વાડીથી ઘાંચીની ખડકી સુધી અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયાં હતાં, આ દબાણ દૂર કરવા કોર્પો.એ અવારનવાર નોટિસ આપી હતી, પરંતુ દબાણકારોએ દબાણો દૂર નહીં કરતાં આખરે શહેર કમિશનરે તમામ દબાણો તત્કાળ દૂર કરવા આદેશ કર્યો છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો : જામનગર શહેરમાં બેડીમાં ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બૂલડોઝર ફેરવી દીધાં બાદ ટીટોડી વાડીથી ઘાંચીની ખડકી સુધી ગેરકાયદે બાંધકામો દૂર કરવા આજે ડિમોલિશન શરુ કરાયું છે. કોઈપણ જાતનો અનઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સવારથી જ આ ઑપરેશન શરુ કરી દેવાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
સવારથી બૂલડોઝર ફેરવવાનું શરુ :આજ સવારથી જ પોણો કિમીના રસ્તામાં એટલે કે, ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધીમાં 8 મોટા મકાન અને બાકીના વાડા તેમજ કેટલીક દિવાલો ઉપર સવારથી બૂલડોઝર ફેરવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં સિટી ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટના મુકેશ વરણવા, નીતિન દીક્ષિત, સોલિડ વૅસ્ટના કેતન કટેશિયા, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બંદોબસ્તમાં સિટી એ પીઆઈ એન.એ. ચાવડા, પીએસઆઈ વાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
દબાણો દૂર થઈ જશે : જામનગરમાં હવે ટીપી ડીપીના રસ્તા પહોળા કરવાનું અભિયાન શરુ થઈ ગયું છે. સવારથી જ આ અભિયાનમાં પાડતોડ શરુ કરાઈ છે. જેસીબી અને જામનગર મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા પાડતોડની કામગીરી શરુ કરી દેવાઈ છે. આ કાર્યવાહી શરુ થતાં જ લોકોના ટોળાં ઉમટ્યાં હતાં, પરંતુ દબાણ દૂર કરવાની કાર્યવાહી ઝડપભેર શરુ કરી દેવામાં આવી છે અને સાંજ પડ્યે 24 મીટર રોડ કરવા માટેના દબાણો દૂર થઈ જશે.
- Crime Conference in Jamnagar : ડીજીપી વિકાસ સહાયની જામનગરમાં બેઠક, કોસ્ટલ સિક્યુરિટી અને દરિયાઈ પટ્ટી પર દબાણ મુદ્દે થઈ ચર્ચા
- તંત્રએ લોન આપી અને હવે ધંધો બંધ કરાવ્યો ! ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના 40 થી વધુ લારીધારકોની વ્યથા