- જામનગર ભાજપમાં અસંતોષ ડેમેજ કંટ્રોલ માટે મોડી રાત સુધી ચાલી બેઠક
- કોઈ નિર્ણય ન લેવતા કાર્યકરોમાં નારાજગી
- બેઠકમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા રહ્યા ઉપસ્થિત
- 5 ટર્મથી ચૂંટાતા અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાજીનામું આપ્યું
જામનગર: મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર થતાંની સાથે જ બળવાની આગ ફાટી નીકળી છે. ગુરૂવારે પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાજીનામું આપી શરૂઆત કર્યા બાદ શુક્રવારે વધુ બે વર્તમાન અને પૂર્વ શહેર પ્રમુખ તેમજ પૂર્વ કોર્પોરેટરે રાજીનામું આપી દેતાં ભાજપમાં રાજીનામાંનો દોર શરૂ થઈ ગયો છે જે આગામી દિવસોમાં વધવાની સંભાવનાઓ છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપે ઉમેદવારની ગુરૂવારે જાહેરાત કરતાની સાથે જ વિરોધ અને બળવાની આગ ફાટી નીકળી હતી. ઠેર-ઠેર અસંતોષ અને ઉમેદવારો પ્રત્યે નારાજગી સપાટી પર આવી હતી. દરમિયાન મોડીરાત્રે 5 ટર્મથી ચૂંટાતા અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે રાત્રે રાજીનામું ધરી દીધુ હતું અને પાર્ટીને અલવિદા કરી આક્ષેપો કર્યા હતા.
શુક્રવારે સવારથી જ ભાજપમાં ફરી રાજીનામાનો દોર શરૂ થયો હતો
વોર્ડ નં.3ના પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારિયા તેમજ તેના પુત્ર પૂર્વ શહેર ઉપપ્રમુખ આશિષ કંટારિયાએ નારાજ થઈને રાજીનામા ધરી દીધા હતા જે પહેલા વોર્ડ નં.6ના લીગલ એડવાઈઝર ડાડુભાઈ ભારવડિયા અને પૂર્વ કોર્પોરેટર જયોતિબેન ભારવડિયાએ જે હાલ શહેર ભાજપ ઉપપ્રમુખ પણ છે તેણે પણ રાજીનામું ધરી દીધુ હતું. આમ, ભાજપમાં રાજીનામાં આપવાનો દોર શરૂ ચૂક્યો છે. હજુ પણ અનેકના રાજીનામા પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.
કરશન કરમુરે પહેર્યો 'આપ'નો ખેસ