જામનગર: 'સહી પોષણ-દેશ રોશન' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સ્વપ્નનેને સાકાર કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને સુપોષિત કરવાની વ્યૂહ રચના ઘડી હતી, જેનો પ્રારંભ મુખ્યપ્રધાનએ દાહોદ ખાતેથી કરાવ્યો હતો, અત્યારે સંપૂર્ણ ગુજરાતમાં પોષણ અભિયાન વિશે લોકોમાં જાગૃતતા લાવવા 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.
જામનગરના સમાજ શ્રેષ્ઠીઓ બન્યા 669 કુપોષિત બાળકોના નંદ-યશોદા - સુપોષિત જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત “સુપોષિત જામનગર” કાર્યક્રમનો શુભારંભ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ કર્યુ હતુ. જામનગરમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સમાજ શ્રેષ્ઠીઓને સુપોષિત અને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા સંવેદનશિલતા સાથે જોડાવા પણ ધારસભ્યએ આહવાન કર્યુ હતું.
સામાજીક જનચેતના સાથે એક બાળક એક પાલકની ભૂમિકા આપતા જામનગર જિલ્લાના પ્રભારી સચિવ એમ.એસ.પટેલએ આંગણવાડીના માધ્યમથી પૂરી પડાતી સેવાઓની જાણકારી આપી, પાલક વાલી યોજનાની જાણકારી તેમજ પાલકવાલીઓને માર્ગદર્શન આપ્યું હતું અને સમાજમાં, ઘરમાં રહેલી નાની નાની ટેવો કુટેવો સમાજ ઉત્કર્ષને ક્યા પ્રકારે રૂંધતી હોય છે? તે વિશે જણાવી જનભાગીદારી અને જનસહકાર દ્વારા કુપોષણના કલંકને દૂર કરી શકાશે તેવો વિશ્વાસ પ્રદર્શિત કર્યો હતો.
આંગણવાડી કાર્યકરોએ પોષણ આરતી રજૂ કરી, સ્વસ્થ ગુજરાતના સંદેશને ગુંજતો કર્યો હતો. પાલક વાલી, સ્વસ્થ બાળક, સ્વસ્થ કિશોરી, શ્રેષ્ઠ વાનગી બનાવનારી આંગણવાડી વગેરેનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. તેમજ નાના ભુલકાઓને અન્નપ્રાસન પણ કરાવ્યું હતું. નગરની શાળાના બાળકો દ્વારા અહીં પોષણ અદાલત નાટક રજૂ કરી, અનોખી જનચેતના જગાવી હતી. મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. અંતે મહાનુભાવો સહિત પ્રજાજનોએ તંદુરસ્ત ભારત નિર્માણ માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા.