જામનગરમાં 15 દિવસમાં 7 જેટલી સગર્ભા મહિલાઓના મોત નિપજ્યા છે. સાથે જ અન્ય બીજા જિલ્લાની બે મહિલાઓના મોત પણ થયા છે. જેના મોત સારવાર દરમિયાન થયા હતા. આ અંગે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સગર્ભા મહિલાઓનો મૃત્યુઆંક ઓછો થાય તે માટે સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પોકળ, જામનગરમાં 15 દિવસમાં 7 સગર્ભાના મોત - G.G.Hospital
જામનગર: રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓના મોત અટકાવવા માટે અવનવી યોજનાઓ બનાવવામાં આવી છે, ત્યારે આ યોજનાઓની વચ્ચે પણ સગર્ભા મહિલાઓના મોત થયાની ઘટના સામે આવી રહી છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં સગર્ભાને પોષણક્ષમ આહાર આપવાની વાત કરી મોટા મોટા દાવાઓ કરવામાં આવી છે, પરંતુ ગ્રમીણ વિસ્તારની સ્થિતિ કંઈક અલગ જોવા મળે છે. હાલ સામચાર મળી રહ્યાં છે કે, જામનગરમાં છેલ્લા 15 દિવસમાં 7 જેટલી સગર્ભા મહિલાઓના મોત થયાં છે. આ ઘટના બાદ સરકારના આરોગ્ય વિભાગની વાસ્તવિકતા સામે આવી છે.
જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી આવેલી જી. જી. હોસ્પિટલમાં અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર અર્થે આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલાઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં લઈ આવવામાં આવતી હોય છે. મહત્વનું એ છે કે, ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના કુપોષણ તેમજ શારીરિક અશક્તિને કારણે મૃત્યુ થતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સગર્ભા મહિલાઓના મૃત્યુઆંક ઘટાડવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે. જામનગરમાં 15 દિવસમાં જ 7 સગર્ભા મહિલાઓનું મૃત્યું થવું એ ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે હવે આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા શું કામગીરી હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહ્યું.