- હું છું જામનગર કોર્પોરેશન વૉર્ડ નંબર 4
- મારા વિસ્તારમાં ગંદકી અને ઢોર ઢાંકરનો છે ત્રાસ
- હું માડમ પરિવારનું રાજનૈતિક પ્રવેશદ્વાર પણ છું
જામનગર : હું જામનગર કોર્પોરેશન વૉર્ડ નંબર 4 આપને જાણવું કે, મારા વિસ્તારમાં મોટા ભાગની પંચરંગી પ્રજા રહે છે અને આ પ્રજાના અનેક પ્રશ્નો પણ છે. જોકે, મારા વૉર્ડમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટર્સ હોવાના કારણે અડધા વૉર્ડમાં કામ વિકાસના કરવામાં આવ્યા છે. તો મારા અડધા વૉર્ડમાં હજૂ પણ વિકાસના કામો કરવામાં આવ્યા નથી.
માડમ પરિવારનું રાજકીય પ્રવેશદ્વાર વૉર્ડ નંબર 4
નવાગામ વિસ્તાર એ સાંસદ પૂનમ માડમ જન્મસ્થળ છે. માડમ પરિવારનું રાજકારણમાં પ્રવેશ મારા વૉર્ડમાંથી જ થયો છે. સાંસદ પૂનમ માડમના પિતા તેમજ તેમની કાકાની દીકરી અને તેમના કાકાના દીકરા મારા વિસ્તારમાંથી જ ચૂંટાઈને આવ્યા હતા. એટલે નવાગામ એ માડમ પરિવારનું રાજકીય પ્રવેશદ્વાર છે. જામનગરના રાજકારણમાં ગત ઘણા વર્ષોથી માડમ પરિવારનો દબદબો રહ્યો છે. સંસદથી લઇને સરપંચ સુધીના માડમ પરિવારના લોકો જામનગરમાં રાજ કરે છે.
મારા વૉર્ડની મુખ્ય સમસ્યા
મારા વૉર્ડમાંથી પસાર થતી ખુલ્લી ગટરો સ્થાનિકો માટે માથાના દુ:ખાવા સમાન બની છે. ખુલ્લી ગટરોના કારણે અનેક બાળકો રોગના ભોગ પણ બન્યા છે. આ સાથે વરસાદી પાણી મારા વૉર્ડની મુખ્ય સમસ્યા છે. ચોમાસા દરમિયાન નવાગામ વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી જતા બોટ મારફતે લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા પડે છે. ચાલુ વર્ષે ભારે વરસાદ થવાના કારણે અનેક વખત નવાગામ વિસ્તારમાં લોકોને બચાવવા માટે બોટ મારફતે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા હતા.