આ મહાદેવના મંદિરમાં એક સાથે હજાર શિવલિંગ આવેલા છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. હજારેશ્વર મહાદેવનું મંદિર જામનગરનું સૌથી પ્રાચીન મંદિર છે. અહીં એક મહાત્માએ બાર વર્ષ સુધી શિવલિંગ હાથમાં લઈ ઊભા પગે તપ કર્યું હતું અને બાદમાં મહાદેવ પ્રસન્ન થયા હતા. ત્યારપછી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
જામનગરવાસીઓ પણ ભોળાનાથની ભક્તિમાં થયા તરબોળ, જાણો આ મહાદેવના મંદિરનો મહિમા - હજારેશ્વર મહાદેવ
જામનગરઃ ભોળાનાથના ભક્તો માટે શ્રાવણ માસ ખૂબ જ મહત્વ રાખતો હોય છે. આ માસ દરમિયાન ભોળાનાથની પૂજા કરીને તેમના ભક્તો ખૂબ ધન્યતા અનુભવતા હોય છે. સમગ્ર દેશ અને રાજ્ય ભોળાનાથની ભક્તિમાં લીન છે. જામનગરવાસીઓ પણ ભોળાનાથની ભક્તિમાં તરબોળ છે. જામનગરને છોટા કાશી કહેવામાં આવે છે કારણ કે અહીં ઠેર-ઠેર મહાદેવના મંદિરો આવેલા છે. તેમાંય અવાજો ખાતે આવેલું હજારેશ્વર મહાદેવનું મંદિર કંઇક અલગ જ મહત્વ ધરાવે છે.
સ્પોટ ફોટો
શ્રાવણ મહિનામાં મોટાભાગના મહાદેવના મંદિરોમાં ભારે ભક્તોની ભીડ રહેતી હોય છે અને ભક્તો શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળે છે. હજારેશ્વર મંદિરનું મહત્વ અનોખું છે. અહીં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે તેમજ એક સાથે હજારો શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે.