ગુજરાત

gujarat

ETV Bharat / state

‘મેલેરીયા મુક્ત જામનગર’ માટે સઘન ઝુંબેશ હાથ ધરતુ આરોગ્ય વિભાગ - jamnagar news

જામનગર: ભારત સરકાર દ્રારા 2030 સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા 2022 સુધીમાં મેલેરીયા મુક્ત ગુજરાત-અભિયાન એમ ચાર વર્ષમાં હાંસલ કરવા સૂચન કરાયું છે. આ ઉદ્દેશને સાકાર કરવા વર્ષ 2017થી સઘન ઝુંબેશ શરૂ કરાઈ હતી. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવુતિઓનું આયોજન અને અમલીકરણને કારણે જામનગર જિલ્લા ગ્રામ્યમાં 2017 વર્ષ કરતાં વર્ષ 2018માં ડેન્ગ્યુંના પ્રમાણમાં 34%નો ઘટાડો જોવા મળ્યો છે. જામનગર(ગ્રામ્ય) જિલ્લામાં ચાલુ વર્ષ 2019માં 29 મેલેરીયા કેસ, 19 ડેન્ગ્યુ કેસ અને 0 ચિકનગુનિયાના કેસ નોંધાયેલ છે.

મેલેરીયા મુક્ત જામનગર

By

Published : Aug 8, 2019, 5:19 AM IST

ગુજરાત રાજ્યમાં અને જામનગર જીલ્લામાં હાલ ડેન્ગ્યુ, મેલેરીયાના અનેક કેસ જોવા મળે છે, ડેન્ગ્યુએ (DEN-1,2,3,4)વાઈરસથી થતો રોગ છે. ઘરના સંગ્રહિત ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ ઈજીપ્તી પ્રકારના ચેપી માદા વાહક મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ફેલાય છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલા પાણીના તમામ ટાંકાઓં / પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ / છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિનઉપયોગી કાટમાળનો નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.

NVBDCP પ્રોગામ અંતર્ગત જાહેર કર્યા મુજબ દર વર્ષની જેમ જુલાઈ માસ, ‘ડેન્ગ્યું વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ડેન્ગ્યું-ચીક્ગુનીયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ/નાબુદી માટે વિવિધ IEC માધ્યમથી જનજાગૃતિ કેળવવા જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાની હોય છે. તેમજ લાલપુર તાલુકામાં 21 ગામોમાં, કાલાવડ તાલુકામાં 79 ગામોમાં, જામનગર તાલુકામાં 59 ગામોમાં, ધ્રોલ તાલુકામાં 08 ગામોમાં, જોડીયાતાલુકામાં 05 ગામોમાં, જામજોધપુર તાલુકામાં 88 ગામોમાં એમ કૂલ 258 ગામોમાં છેલ્લા પાંચ વર્ષમાં નીકળેલા ડેન્ગ્યું કેસવાળા વિસ્તારોમાં જુલાઈ માસ દરમિયાન ડ્રાય ડે (સુકો દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અઠવાડીયામાં એક દિવસ પાણી ભરેલ પાત્રો ખાલી કરાવી લોકો દ્રારા તે પાત્રોને સારી રીતે સાફ કરાવી પાત્રો તડકામાં સુકવીને નવું તાજું પાણી ભરી હવાચુસ્ત ઢાંકણ ઢાંકવાથી ડેન્ગ્યુંના એડીસ મચ્છરના પોરા થતા નથી. તેમજ ઘર અને છત ઉપર બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. જેથી ડેન્ગ્યું-ચીકનગુનીયાનો રોગચાળા થતો અટકાવી શકાય છે.

તેમજ જુલાઈ માસ, “ડેન્ગ્યું વિરોધી માસ” તરીકેની ઉજવણીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા 444 ગામોમાં હાઉસ ટુ હાઉસ રૂબરૂ 1,72,371 ઘરોની ફિલ્ડ મુલાકાત કરી તેમાં સર્વેલન્સ, પોરાનાશક, આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી તેમજ 33 સેમીનાર, 247 પ્રદર્શન, 473 બેનર, 354 પોસ્ટર, 71,195 પત્રિકા વિતરણ, 15 સાંસ્કૃતિક કાર્યક્રમ, 46 ગુરુશિબિર, 132 લઘુશીબીર, 235 ગ્રામ સંજીવની મીટિંગ, 2016 જુથ ચર્ચા, 632 ભીંતસૂત્રો, 31 પેન્ટિંગ, 99 જાહેર ડેમોસ્ટ્રેસનો, 09 રેલી, 258 ગામમાં ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવી હતી તેમજ અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરી માટે ઝુંબેશમાં હાથ ધરેલ. એન.વી.બી.ડી.સી.પી.(મેલેરીયા વિભાગ)-રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસની ઉજવણી અંતર્ગત બાયસેગ સેટકોમથી ડેન્ગ્યું-ચિકનગુનિયાના રોગથી બચવાની સમજ આપી હતી. ડેન્ગ્યું વિરોધી માસ તરીકેની ઉજવણીમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જામનગર જિલ્લા(ગ્રામ્ય)ના 573 આરોગ્ય કર્મચારી દ્રારા 8, 79, 203 વસ્તી અને 1, 72, 371 ઘરો ધરાવતા 444 ગામની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના 18,800 કેસ જોવા મળ્યા હતા જેમાં તાવના લોહીના 18,800 નમુનાની સ્લાઈડ લીધી હતી જેમાં, મેલેરીયાના પોઝીટીવ કેસ 10 (દસ) મળી આવ્યા હતા.

મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં 6,58,355 પાત્રોની તપાસણી કરાઈ હતી, જેમા 3,207 પાત્રોમાંથી પોરા મળેલા હતા ઉપરાંત 3,22,432 પાત્રોમાં એબેટ દવા નાખેલ, 5,717 પાત્રો નાશ/નિકાલ કરેલ, 71,195 પત્રીકાઓનું વિતરણ, માઈક પ્રચાર, બી.ટી.આઈ. 913 પાણી ભરેલા ખાડામાં છંટકાવ કરેલ, 260 ખાડામાં બળેલા ઓઈલ/કેરોસીન નાખાયા, 64 સ્થળોમાં પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખાઈ અને ડેન્ગ્યુ કેસ વાળા વિસ્તારોમાં 518 ઘરની અંદર ઇન્ડોર ફોગીંગ કરાયું હતું.

જુલાઈ માસ દરમિયાન જામનગર જિલ્લા(ગ્રામ્ય)માં શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના 94 લોહીના સેમ્પલનું સરકાર માન્ય ELISA Methodથી પરીક્ષણ કરતા સાદા ડેન્ગ્યુ તાવના નવા 10 પોઝીટીવ કન્ફર્મ કેસ નોંધાયા હતા. તેમજ હાલમાં જી.જી. હોસ્પિટલ, જામનગરમાં ગંભીર પ્રકારના ડેન્ગ્યું કેસ દાખલ નથી અને ડેન્ગ્યું કે મેલેરીયા રોગમાં મરણ નોંધાયેલ નથી. ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરીયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા લોકોને વિનંતી કરવામાં આવી હતી. વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે તેવી પણ વિનંતી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details