જામનગર: જામનગરમાં આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીને લઇ તંત્ર દ્વારા તમામ ત્યારિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં 400 જેટલા કલાકારો દ્વારા વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે.
ભવ્ય મલ્ટીમીડિયા લાઇટિંગ શોનું પણ આયોજન: પ્રદર્શન ગ્રાઉન્ડમાં 25,000 જેટલા લોકો બેસી શકે તેવી વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ભવ્ય મલ્ટીમીડિયા લાઇટિંગ શોનું પણ આયોજન કરવામાં આવશે. સમગ્ર શહેરમાં પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મીડિયા શોમાં જામનગરની અમરગાથા જામનગરના કયા ઐતિહાસિક પાત્રના મુખે વ્યક્ત થશે એ જાણવું અને માણવું પણ રસપ્રદ બની રહેશે.
વરસાદના વિઘ્નની આશંકા:હાલ કલાકાર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ ખાતે તેવી શક્યતા છે ત્યારે જામનગરમાં ગૌરવ દિવસની ઉજવણીમાં વરસાદ વિઘ્ન રૂપ બને તેવી શક્યતા છે. ગત દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે જામનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકીઓ હતો જેના કારણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં વરસાદી પાણી વહેતા થયા હતા અને કાદવ કીચડ થયું હતું. જોકે આજે પણ બપોર બાદ જામનગર શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું જેના કારણે વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.