જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકાના બાલાભડી ગામે શૈલેષભાઈ હરજીભાઈ નામના ખેડૂતે 10 વીઘાની મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતું વધુ પડતા વરસાદથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો અને ખર્ચાના પૈસા પણ ઉભા થાય એવી પરિસ્થિતી ન દેખાતા મગફળીને પોતાના ખેતરમાં જ સળગાવી દીધી હતી.
શા માટે કૃષિપ્રધાનના વિસ્તારમાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવ્યો?
જામનગર જિલ્લાના બાલાંભડી ગામે ખેડૂતે બિયારણ લાવી ચોમાસુ મગફળીનો પાક રોપ્યો હતો પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મહામહેનતે પકવેલો પાક સાવ નિષ્ફળ જતા ખેડૂતોએ મગફળીનો પાક સળગાવી દેવાનો વારો આવ્યો હતો અને ખેડૂતોનો ચોમાસુ મગફળીનો પાક ફેલ ગયો હતો.
બાલાભળી ગામમાં આવા અનેક ખેડૂતો છે, જેને સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો છે. જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલું તેમાં 7થી 8 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો હતો, તેની સામે સરકાર માત્ર 1500 રૂપિયા વળતર આપે છે અને તે પણ મળે ત્યારે મળ્યા કહેવાય. આવી રીતે ઓછું વળતર આપીને ખેડૂતોની મજાક કરતી હોય એવું દેખાય રહ્યું છે. જે ખેડૂતોનું સંપૂર્ણ નુકસાન થયું છે, તેનું વ્યક્તિગત સર્વે કરવું જોઈએ અને પૂરેપૂરું વળતર આપવું જોઈએ.
કૃષિપ્રધાન આર.સી.ફળદુના મત વિસ્તારના ખેડૂતોઓ જ પોતાની વાડીમાં વાવેલો મગફળીનો પાક સળગાવ્યો છે. જામનગર પંથકના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે અત્યાર સુધીમાં ન તો ખેડુતોને પાક વિમો આપવામાં આવ્યો કે ન તો વળતર આપવામાં આવ્યું, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગર પંથકના ખેડૂતોએ જે પાક થયો છે, તેનો પણ પોષણક્ષમ ભાવ ન મળતા આખરે ખેડૂતો આખા વર્ષની મહેનતથી પકવેલ પાક સળગાવવા મજબૂર બન્યા છે.