- કમોસમી વરસાદની આગાહી વચ્ચે તૈયાર પાક બચાવવા ખેડૂતોમાં ભાગદોડ
- જામનગરના ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા:
- કેટલાક વિસ્તારોમાં કપાસની લણણી પણ બાકી છે
જામનગરઃ કમોસમી વરસાદ(Unseasonal rains) અંગેની હવામાન વિભાગની આગાહીને પગલે જામનગર(Jamnagar) જિલ્લામાં ધાબળીયા વાતાવરણ વચ્ચે અનેક સ્થળે હળવા છાંટા પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. એક તરફ મગફળી, કપાસ સહિતના ખેતી પાકના ખેતરોમાં પાથરા પડ્યા છે. ત્યારે આવા સમયે માવઠાએ મોકાણ સર્જતાં પાકમાં મોટે ભાગે નુક્સાનીની ભીતિ સેવાઇ રહી છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા જામનગર સહિત રાજયભરમાં કમોસમી વરસાદ ત્રાટકવાની હવામાન વિભાગ(Meteorological Department)દ્વારા આગાહી કરવામા આવી છે. આગાહી વચ્ચે અમુક સ્થળોએ તો હળવા છાંટા પડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ જ્યારે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો ચોમાસુ સિઝનનો પાક તૈયાર થઈ ગયો છે. જેથી લાલપુર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર સહિત જિલ્લાભરના મોટાભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યાં છે. તો અમુક ખેતરોમાં થ્રેસર ચાલી રહ્યાં છે. આવા ખરા ટાંણે જ કમૌસમી વરસાદની આગાહી થતાં ખેડૂતોમાં ભાગદોડ મચી જવા પામી છે.