જામનગર: શહેર અને અનરાધાર વરસાદ પડવાના કારણે નદીઓ ગાંડીતુર બની છે. મોટા ભાગના તળાવો પણ છલકાયા છે. રણજીતસાગર ડેમ પણ રાત્રે ઓવરફ્લો થયો છે. પરંતુ તંત્રના પાપે રણજીતસાગર ડેમ નજીક ખેતર અને જમીન ધરાવતા ખેડૂતોનાં માથે આફત તુટી પડી છે.
તંત્રની લાપરવાહીથી દડીયાના ખેડૂતોની જમીન ધોવાઈ, જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય - રણજીતસાગર ડેમ
નદી, તળાવ, સરોવર જેવા પાણીના કુદરતી સ્ત્રોતના પ્રવાહને અસર કરે તેવી કોઈ પણ પ્રવૃતિ ગેરકાનૂની છે. પરંતુ રણજીતસાગર ડેમ પાસે ગેરકાયદેસર ભરડીયો બનાવવાના કારણે ડેમમાં ઓવરફ્લો થઈ વહેતુ પાણી નજીકના પાણીમાં ઘુસ્યુ છે. પાણીનો ધસમસતા પ્રવાહના કારણે ખેડૂતોની જમીન ધોવાઈ છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા છે.
Etv ભારતની ટીમ સાથે વાત કરતા ખેડૂતોએ જણાવ્યું કે રણજીતસાગર ડેમ જે જગ્યાએથી પાણીનો પ્રવાહ નીકળ્યો છે ત્યાં જ વચ્ચે એક ભરડીયો બનાવવામાં આવ્યો છે. જે ગેરકાયદેસર છે. આ અંગે જિલ્લા કલેક્ટર સહિત રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત ફરિયાદ કરવા છતાં કોઈ પરિણામ આવ્યુ નથી. પાણીનો પ્રવાહ ફંટાવાના કારણે ખેડૂતોની જમીન ધોવાથી તેમને લાખોનું નુકસાન થયું છે. તંત્ર તેમની રજૂઆતને ધ્યાને લઈ પાણીના મૂળ પ્રવાહને વહેતો રાખે અને તેની સાથે કોઈ છેડ છાડ ન થવા દે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.