- જામનગરમાં સાડા પાંચ મહિને થયો હતો બાળકીનો જન્મ
- બાળકી 79 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ NICU માં રહી
- 125 દિવસની સઘન સારવાર અને દેખભાળ બાદ સ્વસ્થ થઈ
જામનગર : 25 અઠવાડિયા એટલે કે સાડા પાંચ મહિને 575 ગ્રામ વજન સાથે જન્મેલી બાળકી 79 દિવસ સુધી વેન્ટિલેટર પર તથા 125 દિવસ સુધી Neonatal ICU ( NICU ) માં રહી હતી. આ વય જૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICU માં રહી હશે. અધૂરા માસે જન્મતા બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ હતી. જોકે, આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા આ પડકાર ઝીલીને બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે. સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મ પામેલી 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસની લાંબી સફર બાદ તેમનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.
સાડા પાંચ મહિને જન્મેલી આ બાળકીને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલ્લી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ભૂલવું, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વગેરે ડોક્ટર માટે અત્યંત પડકારરૂપ હતી. પરંતુ અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલ તથા સમગ્ર ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા હાથ ધરી છે. આ સાથે બાળકીના માતા પિતાની ધીરજ અને તેનો ડોક્ટર પરનો વિશ્વાસ એ પણ ખૂબ જ સરાહનીય હતો. કોરોનાના કપરા કાળમાં દર્દીઓ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે અને ક્યાંકને ક્યાંક તેઓ ભાંગી પડતા હોય છે, ત્યાં આ નાનકડું બાળપુષ્પ 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહી મોતને મ્હાત આપી જાણે એક નવો જ સૂરજ ઉગાડતી હોય તેમ લાગે છે.