જામનગર:જામનગરમાં શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળામાં છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરવામાં આવી રહી છે. ખાસ કરીને હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગોળની માંગ મોટા પ્રમાણમાં હોય છે જોકે અહીં ઓર્ગેનિક ગોળ પણ બનાવવામાં આવી રહ્યો છે. શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળાના માલિક જણાવી રહ્યા છે કે તેમની પાસે 150 જેટલી ગાયો છે અને આ ગાયોના છાણનું ખાતર બનાવવામાં આવે છે. ગૌ મુત્રનો ઉપયોગ શેરડીના વાવેતરમાં કરવામાં આવ્યો છે.
ડાયાબિટીસ દર્દીઓ માટે આશીર્વાદ:શેરડીના વાવેતરથી લઈ શેરડીમાંથી બનાવવામાં આવતા ગોળની પ્રક્રિયા સુધીમાં ક્યાંય પણ રાસાયણિક ખાતર કે અન્ય કોઈ દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ગાય આધારિત આ ગોળ બનાવવામાં આવે છે જે ગોળની માંગ ખૂબ જ જોવા મળી રહી છે. ગોળની સાથે સાથે ફાર્મ હાઉસ પર ખાંડ પણ બનાવવામાં આવી રહી છે જે ખાંડ સંપૂર્ણ ઓર્ગેનિક છે. ખાસ કરીને ડાયાબિટીસ તેમજ અન્ય કોઈ રોગના દર્દીઓ માટે આ ખાંડ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
કેવી રીતે બને છે ગોળ?:શેરડીનો પાક વાડીએ લાવ્યા બાદ ગોળ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. શેરડીમાંથી રસ બનાવ્યા બાદ તેને ગરમ કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, ગોળ બનાવામાં ઇંધણ તરીકે જે શેરડીના છોડા નીકળે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે ખેડૂતને ગોળ પકવવા માટે કોઈ ઇંધણ ખરીદવાની પણ જરૂર રહેતી નથી.