જામનગર: સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર દરિયા કિનારે જોવા મળી રહી છે. દરિયામાં ભારે કરંટ છે. જેના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જોકે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રોઝી બંદર પર પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો છે. વાવાઝોડાની ગતિ આગળ વધી રહી છે. કચ્છ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું અસર કરે તેવી શક્યતા છે.
નાગરિકો માટે દિશાનિર્દેશ:ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે. સંભવિત બિપોરજોય વાવાઝોડા અગાઉ સરકારી વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકો માટે ખાસ દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. વાવાઝોડા આગાહી વખતે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે જાણકારી આપવામાં આવી છે. આ દિશાનિર્દેશોનું પાલન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.
વાવાઝોડા પહેલા શું કરશો:તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓને અવગણી શાંત રહેવા અપીલ કરવામાં આવી છે. જેમાં, મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલ રાખો અને SMS નો ઉપયોગ કરવો, હવામાનના અપડેટ્સ રાખવા, જરૂરી દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓને વોટરપ્રૂફ કન્ટેનરમાં રાખવા, ખાલી રૂમમાં રહેવાનો પ્રયાસ કરવો. તમારા ઘરની છતને સુરક્ષિત કરો, જરૂર જણાય તો સમારકામ કરાવો અને ઢોર પ્રાણીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને ખુલ્લા રાખવા જણાવ્યું છે. વાવાઝોડાની ચેતવણી અથવા પૂરના કિસ્સામાં નજીકના સુરક્ષિત ઉંચા આશ્રયસ્થાનમાં જવું. ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ખાવા માટે તૈયાર ખોરાક અને પાણી સંગ્રહિત કરો. સરકારી અધિકારીઓ દ્વારા નિર્દેશિત થવા પર તરત જ સુરક્ષિત સ્થાન પર સ્થળાંતર કરવું.
વાવાઝોડા દરમિયાન શું કરશો:
જો ઇમારતની અંદર હોવ તો નીચે મુજબની તકેદારી લેવી.
- ઈલેક્ટ્રીકલ મેઈન સ્વીચ બંધ કરો, તમામ વિદ્યુત ઉપકરણો અને ગેસ કનેક્શનના પ્લગ કાઢી નાખો.
- દરવાજા અને બારીઓ બંધ રાખો.
- જો તમારું ઘર અસુરક્ષિત છે, તો વાવાઝોડાની શરૂઆત થાય તે પહેલા નીકળી જાઓ.સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચો.
- રેડિયો સાંભળો, માત્ર સત્તાવાર ચેતવણીઓ પર આધાર રાખો.
- ઉકાળેલું ક્લોરીનેટેડ પાણી પીવો.
- જો ઈમારત ક્ષીણ થવા લાગે તો, ગાદલા-ગોદડાં અથવા ધાબળા વડે અથવા મજબૂત ટેબલ નીચે બેસીને અથવા પાણીની પાઈપ જેવી નક્કર ચીજવસ્તુને પકડીને તમારી જાતને સુરક્ષિત કરો.
જો ઇમારતની બહાર હોવ તો નીચે મુજબની તકેદારી લેવી.
- ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશવું નહીં.
- શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત આશ્રય મેળવો.
- વૃક્ષ/ઈલેક્ટ્રીક પોલ નીચે ક્યારેય ઊભા ન રહો.
- વાવાઝોડું શાંત થયું એમ માનીને બહાર ન નીકળી જવું. સ્થિતિ ગમે ત્યારે બદલી શકે છે.
- સરકારના વિભાગોની આધિકારિક સૂચનાઓ પછી જ બહાર નીકળવું.
વાવાઝોડા પછી શું કરશો:
- ઉકાળેલું, ક્લોરીટેનેડ પાણી પીવાનો આગ્રહ રાખો.
- જ્યાં સુધી સત્તાવાર રીતે સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર ન જશો.
- જો ઇમારત/ મકાન ખાલી કરવામાં આવે, તો પાછા જવાની સલાહ ન મળે ત્યાં સુધી રાહ જુઓ.
- તૂટેલા વીજ થાંભલાઓ અને છૂટા વાયરો અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓનું ધ્યાન રાખો.
- ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશવું નહીં.
- ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરશો નહીં, ઈલેક્ટ્રીક નિષ્ણાત પાસેથી સાધનોની મરમ્મત કરાવવી
માછીમારોને ખાસ અપીલ: - અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં.
- આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો.
- એક કાગળ પર મહત્વપૂર્ણ સંપર્ક નંબરો લખી રાખો અને તેને સુરક્ષિત રીતે રાખો.
- વધારાની બેટરી સાથે રેડિયો સેટ હાથમાં રાખો.
- હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબાર વાંચો.
- બોટ રાફ્ટને સુરક્ષિત જગ્યાએ બાંધીને રાખો.
- દરિયામાં જવાનું સાહસ ન કરો.
- Cyclone Biarjoy: જ્યાં હિટ કરી શકે છે વાવાઝોડું એ જિલ્લાના કલેક્ટરે કહ્યું, વી આર રેડી
- Cyclone Biparjoy: વાવાઝોડાને લઈ સમગ્ર દ્વારકામાં હાઈ એલર્ટ, ગોમતીઘાટ-શિવરાજપુર બીચ બંધ