જામનગરઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. જામનગર પંથકમાં પણ અવારનવાર ગમખ્વાર માર્ગ અકસ્માતો બનતા હોય છે. હજુ દ્વારકા પગપાળા સંઘ અકસ્માતના શોકમાંથી જામનગર બહાર આવ્યું નથી અને બીજા એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં બાઈક પર એક દંપતિ મુસાફરી કરી રહ્યું હતું આ બાઈકને તેજ ગતિએ આવતી BMW કારે ટક્કર મારતા દંપતિ હવામાં ફંગોળાયું હતું. આ અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
Jamnagar News: અત્યંત ઝડપે આવી રહેલી BMW કાર બાઈકને ટકરાતા, દંપતિ હવામાં ફંગોળાયું, પતિનું ઘટનાસ્થળે મોત - પંચ એ પોલીસ સ્ટેશન
જામનગર ખાતે હજુ દ્વારકા પગપાળા સંઘ અકસ્માતના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં જ એક અન્ય અકસ્માતમાં BMW કારે બાઈકને જોરદાર ટક્કર મારવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Nov 16, 2023, 4:12 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ 49 વર્ષીય દિનેશ મકવાણા રાજકોટ ખાતે ભાઈ બીજની ઉજવણી માટે ગયા હતા. રાજકોટથી બાઈક પર તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે નાની બાણુગર પાટિયા પાસે પૂર ઝડપે આવતી એક BMW કારે બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે દંપતિ હવામાં ફંગોળાયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને પ્રત્યક્ષ જોનારા સ્થાનિકોનું કહેવું છે કે BMW કારની ઝડપ 160 કિલોમીટરથી વધુની હોવી જોઈએ, કારણ કે કારની ટક્કર વાગતા દંપતિ સહિત બાઈક હવામાં ફૂટબોલની જેમ ઉછળ્યું હતું. ઘટનાની જણ થતા જ પંચ એ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગંભીર રીતે ઘાયલ પત્નીને સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે મૃતક પતિ દિનેશ મકવાણાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરીને BMW કારના 20 વર્ષીય ચાલક ગુલ મોહમ્મદ જુમાભાઈ સાટીની ધરપકડ કરી છે. અકસ્માત જે BMW કારથી કરવામાં આવ્યો તેણે પણ પોલીસે જપ્ત કરી લીધી છે. પોલીસ ચાલક પાસેથી કારની સ્પીડ અને અન્ય પ્રાથમિક માહિતીની પુછપરછ કરી રહી છે.
ભાઈ બીજની ઉજવણી કરીને મારા સગા દિનેશ મકવાણા રાજકોટથી બાઈક પર પરત ફરી રહ્યા હતા. તેમના બાઈકને જાનગર રાજકોટ હાઈવે પર જામનગર નજીક નાની બાણુગર પાટિયા પાસે એક પૂર ઝડપે જતી BMW કારે ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મારા સંબંધી 49 વર્ષીય દિનેશ મકવાણાનું મૃત્યુ થયું છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી જી હોસ્પિટલમાં મોકલાયો હતો...શૈલેષભાઈ બાબરીયા(મૃતકના સંબંધી, જામનગર)