ગુજરાત હાઇકોર્ટે જામનગર કલેક્ટરનો ખુલાસો માંગ્યો જામનગર: જામનગરના સૌ લોકો જાણે છે કે, કલેક્ટર કચેરી, કોર્પોરેશન કચેરી જિલ્લા પોલીસ વડાની કચેરીએ લોકોને ટોળામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યાં ધરણાં અને આંદોલનની પણ મનાઈ છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને આદેશ આપ્યો છે કે, આ મામલે જાહેરનામું લંબાવ્યા બાબતે એક સપ્તાહની અંદર વડી અદાલતમાં સોગંદનામું દાખલ કરો.
શું છે જાહેરનામાનો વિવાદ:
આ ત્રણ કચેરીઓ ખાતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા કચેરીઓના કર્મચારીઓને કામોમાં ખલેલ ન પડે તે માટે કલેક્ટરની સૂચના મુજબ અધિક કલેક્ટર દ્વારા અગાઉ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલું. બાદમાં આ જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આ કચેરીઓ આસપાસ કલમ 144 લગાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે થોડા સમય અગાઉ જામનગરના કેટલાક એડવોકેટસ દ્વારા કલેક્ટરને પત્ર પણ લખવામાં આવેલો. પત્રમાં જણાવાયું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલો આ આદેશ લોકશાહીની હત્યા છે અને બંધારણની કલમોનો ભંગ છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા મુદ્દે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા મંજૂરી આપવામાં આવે. ત્યારબાદ આ મામલો છેક હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
હાઈકોર્ટે કહ્યું છે કે, પ્રારંભમાં આવા નિયંત્રણો 13થી 30 ઓક્ટોબર સુધી લાગુ હતાં. જેને નવેમ્બરના મધ્ય સુધી લંબાવવામાં આવ્યા છે. 13 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીના સમયગાળા માટે અમે સમજીએ છીએ કે તે નવરાત્રિ વગેરે તહેવારોની મોસમને કારણે હોય શકે છે. પરંતુ આ સૂચનાને નવેમ્બર મધ્ય સુધી શા માટે લંબાવવામાં આવી આ અંગે સુનાવણી કરતાં ચીફ જસ્ટિસની બેન્ચે કહ્યું કે કલેક્ટર આ મુદ્દે એક સપ્તાહમાં હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરે.
- Supreme Court: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર કેન્દ્રને કહ્યું- પારદર્શિતાની જરૂર
- Same-sex marriage: સમલૈંગિક લગ્ન અંગેના 17 ઓક્ટોબરના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી