જામનગર:દેખાવમાં સખત એવી પોલીસ સમય અને સંજોગો અનુસાર પોતાની માનવતા છલકાવતી જોવા મળે છે. જામજોધપુરના વિસ્તારની એ.વી. ડી.એસ કોલેજમાં યોજાયેલી તલાટીની પરીક્ષામાં એક માતા બે વર્ષના બાળક સાથે પરીક્ષા આપવા આવી હતી. પોલીસ વિભાગના કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ વસરા અને મહિલા કોન્સ્ટેબલે પોતાની ફરજની સાથે સાથે એક અનોખી જવાબદારી ઉપાડીને બાળકને સાચવ્યો હતો.
પોલીસકર્મીઓએ સાચવ્યું બાળક: સમગ્ર મામલે પરીક્ષા આપવા માટે આવેલી મહિલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી તલાટી પરીક્ષાની તૈયારી કરતા હતા. બાળકને રાખનાર ઘરે કોઈ હતું નહીં જેના કારણે તેઓ પરીક્ષા સેન્ટર ખાતે આ બાળકને લઈ અને આવ્યા હતા. અહીં પોલીસકર્મીઓએ બાળકને જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાની પાસે રાખ્યું હતું જે ઉમદા કાર્ય કહી શકાય.
પોલીસકર્મીનું ઉમદા કાર્ય: કોસ્ટેબલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે એક મહિલા બે વર્ષનું બાળક લઈ અને પરીક્ષા આપવા આવી હતી. મહિલા મનમાં મૂંઝાતી હતી અને કોઈને કહી શકતી ન હતી. આખરે તેમણે ફરજ પર રહેલા કોન્સ્ટેબલ સાથે વાતચીત કરી અને કહ્યું કે મારું બાળક કોઈ રાખે તેવું છે કોઈ નથી અને મારે તલાટીની પરીક્ષા આપવી છે. અમે લોકોએ આ બાળક રાખવાની હા પાડી અને એક કલાક સુધી બાળકને પરીક્ષા સેન્ટર બહાર રાખી અમારો ધર્મ નભાવ્યો છે.