જામનગર : અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવે છે. જોકે વિવિધ શહેરોમાં પણ હવે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા ચાર વર્ષથી ભવ્ય બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત આગામી 24મી તારીખે સમગ્ર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે.
બાળ રથયાત્રા :જામનગર ઈસ્કોન મંદિર દ્વારા શહેરમાં ખાસ બાળ રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ઇસ્કોન મંદિરથી બાળકોએ ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ રથયાત્રા સુમેરુ સ્પોર્ટ્સ કલબ અને શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી હતી. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળતા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા તેમાં જોડાયેલા બાળકોના કારણે ખાસ આકર્ષણનુુ કેન્દ્ર બની હતી.
આકર્ષક બાળરથ :ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રામાં બાળકો ખેંચી શકે તેવો નાનો રથ બનાવવામાં આવ્યો હતો. બાળકોએ જ ભગવાન જગન્નાથના રથને ખેચીંને ઇસ્કોન મંદિર આજુબાજુની સોસાયટીઓમાં ફેરવવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં સોસાયટીના રહીશો પણ જોડાયા હતા.
આવી રહી છે રથયાત્રા : પરંપરા મુજબ ભગવાન જગન્નાથની આરતી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. હરે ક્રિષ્ના હરે રામ અને જય જગન્નાથના જયઘોષ કરી ભક્તોએ ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે, 24મીએ ઇસ્કોન મંદિર દ્વારા જામનગર શહેરમાં મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. જોકે, અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ જય જગન્નાથના નારા સાથે ભાગ લીધો હતો. જોકે, આ વખતે રથયાત્રા પર કોઈ પ્રકારના અમી છાંટણા ન થતા ભાવિકો ગરમીમાં અકળાયા હતા.
- Patan Rath Yatra 2023 : પાટણ જગદીશ મંદિરની રથયાત્રા રંગેચંગે યોજાઇ, તલવારબાજીએ જમાવ્યું આકર્ષણ
- Ahmedabad Rathyatra 2023 : મોરારી બાપૂએ ભક્તોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી