આ વર્ષે ‘યોગા ફોર હાર્ટ કેર’ ની થીમ સાથે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે “વિશ્વ યોગ દિવસ” નિમિત્તે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને આમંત્રિત મહેમાનોના હસ્તે જામનગરના લાખોટા તળાવ ખાતે દિપ પ્રાગટ્ય કરી શંખનાદના ધ્વની સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
જામનગરમાં "યોગા ફોર હાર્ટ કેર" થીમ યોગ દિવસની કરાઈ ઉજવણી - JMR
જામનગરઃ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પધ્ધતિનો પાયારૂપ સિધ્ધાંત માનવામાં આવ્યો છે. યુનોસ્કો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્વ આપવાના ઉદ્દેશ સાથે 21 જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે.
આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગના લાભાલાભ જણવ્યા હતા તેનિં જીવંત પ્રસારણ કરાયું હતું. સહભાગીઓ સરળતા અને સહજતાથી યોગ કરી શકે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પતંજલી યોગ કેન્દ્ર તથા આર્ટ ઓફ લીવીંગના સહયોગથી તાડાસન, વૃક્ષાસન,અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધઉષ્ટ્રાસન, શલભાસન, મકરાસન, વજ્રાસન વગેરે જેવા સરળ અને ઉપયોગી આસનો કરવામાં આવ્યા હતા.
સામુહિક યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન ક્રિયાઓને કારણે વહેલી સવારે સુંદર વાતાવરણ ઉભું થયું હતુ. આ કાર્યક્રમમાં અગ્રણીઓ અને અંદાજે 150 જેટલા દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જામનગર જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત અંદાજે કુલ 1009 કેન્દ્રો ખાતે 1084 યોગ ટ્રેનરો દ્વારા અંદાજીત 3,85,890 લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.