જામનગર : વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આપેલા પાંચ સૂત્ર સાથે “સહી પોષણ દેશ રોશન” ના ધ્યેય સાથે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પોષણ માહ સપ્ટેમ્બર 2020 અંતર્ગત મુખ્ય પાંચ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
(1) બાળકના પ્રથમ 1000 દિવસ
(2) એનિમિયા
(3) ઝાડા નિયંત્રણ
(4) હેન્ડવોશ અને સેનિટેશન
(5) પૌષ્ટિક આહાર
કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવિડ-19 ની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સાથે જામનગર જિલ્લામાં ICDS વિભાગ દ્વારા “પોષણ શપથ” લેવામાં આવ્યા હતા. તેમજ તમામ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માહ સપ્ટેમ્બર 2020ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોષણ અભિયાનને સફળ બનાવવા ગૃહ મુલાકાત, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર, વેબિનાર, પૂર્વ પ્રસૂતિ કાઉન્સેલિંગ, સુખડી વિતરણ, હેન્ડવોશ, પોષણ તોરણ અને પોષણ સલાડ તેમજ ટી.એચ.આર. પેકેટમાંથી વિવિધ વાનગી નિદર્શન હરીફાઈ યોજાઈ હતી. આ હરીફાઈમાં આંગણવાડીના તમામ લાભાર્થી દ્વારા વિવિધ વાનગી બનાવવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ વાનગીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. કિશોરીઓ દ્વારા પોષણ તોરણ બનાવવામાં આવ્યા હતા. તે તોરણ જોખમી સગર્ભા અને અતિ કુપોષિત બાળકોના ઘરે લગાડવામાં આવશે. તેમજ કિશોરીઓ દ્વારા તેમને પોષણને લગતી માહિતી આપવામાં આવશે, જેથી કુપોષણમાં ઘટાડો થઇ શકે.
આ તમામ પ્રવૃત્તિ જામનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગના માર્ગદર્શન તથા પી.ઓ.સી.ડી.ભાંભીના પ્રોત્સાહન હેઠળ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ માહ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ દ્વારા જામનગર જિલ્લાને સંપૂર્ણત કુપોષણ મુક્ત બનાવવા તરફ અગ્રેસર કરવાના પ્રયાસો કરવામાં આવશે.