જામનગર એસટી ડેપો બન્યો દારૂનો બાર જામનગર :જામનગર એસટી ડેપોના નવીનીકરણ કરવા માટેની વાત ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદથી ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્વચ્છતા અંગેની ચકાસણી અર્થે જામનગર આવી હતી. ત્યારે એસટી ડેપોની હાલત તદ્દન જર્જરિત તેમજ ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જોકે આ બધામાં દેશી દારૂની કોથળી અને વિદેશી દારૂની બોટલો મળી આવતા અધિકારીઓની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ હતી. આ અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
એસટી ડેપોમાં સરપ્રાઈઝ ચેકિંગ : રાજ્યના અનેક એસટી ડેપોના નવીનીકરણ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર એસટી ડેપોના નવીનીકરણની વાત પણ ચાલી હતી. રાજ્ય સરકાર તેમજ જામનગર શહેર જિલ્લામાં રાજકીય આગેવાનોના પ્રયાસોથી અને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તથા ગૃહુપ્રધાન દ્વારા નવું એસ.ટી. ડેપો બનાવવા માટેની હૈયાધારણા આપવામાં આવી હતી. ત્યારે અમદાવાદથી ઉચ્ચ અધિકારીઓની એક ટીમ સ્વચ્છતા અંગેની ચકાસણી અર્થે જામનગર આવી પહોંચી હતી.
દયનીય હાલતમાં ડેપો : જામનગર એસટી ડેપોનું નિર્માણ 53 વર્ષ પહેલાં થયું હતું. હાલ એસટી ડેપોની હાલત અત્યંત દયનીય છે. ટેપોની ઈમારતોમાં પીપળાના વૃક્ષ ઉગી નીકળ્યા છે. ઉપરાંત આખા ડેપોમાં જ્યાં ત્યાં કચરાના ઢગ નજરે પડે છે. શૌચાલય અને બેઠક સહિતના દરેક બાંધકામમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે.
સ્વચ્છતાના લીરા ઉડ્યા : અમદાવાદ એસટી ડિવિઝન અને MEO એમ.ડી. શુક્લા તેમજ વિભાગીય નિયામક બી.સી. જાડેજા જામનગર આવી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ એસટી ડેપોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સમગ્ર ડેપોની ચકાસણી દરમિયાન એસટી ડેપોની હાલત તદ્દન જર્જરીત જોવા મળી હતી. એસટી ડેપોના અનેક સ્થળોએ ખૂબ જ કચરો અને સાફસફાઇનો અભાવ જોવા મળ્યો હતો.
એસટી ડેપો દારૂનો અડ્ડો ?જોકે તપાસ દરમિયાન એસટી ડેપો ડ્રાઇવરના રૂમમાં દેશી દારૂની કોથળી અને ઇંગલિશ દારૂની ખાલી બોટલો મળી આવતા અધિકારીઓ આશ્ચર્યચકિત બન્યા હતા. સમગ્ર તપાસ કાર્યવાહીનો વીડિયો બનાવી તેનું રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યું છે. હાલ તેનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીને લઈને સ્થાનિક એસટી તંત્રમાં ભારે દોડધામ થઈ હતી.
ડેપોના નવીનીકરણની ઉડાઉ વાતો : જામનગર શહેરનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. ત્યારે ફકતને ફકત જામનગર એસટી ડેપોને વિકાસની વાછટ મળી નથી. જામનગર એસટી ડેપો જર્જરીત હાલતમાં તો છે. આ એસટી ડેપોને અન્યત્ર ખસેડવા અથવા આ જ સ્થળ પર નવા ડેપોનું નિર્માણ કરવાની વાત સાંભળીને નગરજનો થાકી ગયા છે. વાતો થાય છે-કાગળ પર લખાય છે, પરંતુ આ અંગે એક ખાડો પણ ખોદાતો નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ અંગે અસંખ્ય વખત રજૂઆત પણ થઈ હોવા છતાં જામનગર એસટી ડેપોને કોનું ગ્રહણ લાગ્યું છે ખબર નથી ?
સ્વચ્છતા અભિયાન :આ અંગે વધુમાં મળતી વિગત મુજબ વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર બસ સ્ટેન્ડથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરુપે વડી કચેરીની ટીમ જામનગર એસટી ડેપોની ચકાસણી અર્થે આવેલ હતી. ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત ડીસેમ્બરના ચાર અઠવાડિયા માટે મહત્વના કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારની પહેલ : આ અભિયાન અંતર્ગત પ્રથમ અઠવાડિયામાં એસટી નિગમની તમામ બસ અને બસ સ્ટેન્ડની સ્વચ્છતાની કામગીરી, બીજા અઠવાડિયામાં સ્વચ્છતા દોડ અને ત્રીજા અઠવાડિયામાં બસ સ્ટેન્ડની અંદર વૃક્ષારોપણ, બસ તથા બસ સ્ટેન્ડ પ્લાસ્ટિક મુક્ત બને તે માટેનું અભિયાન, ચોથા અઠવાડીયાના સ્વચ્છતાની કામગીરીનું ઇન્સ્પેકશન કરવામાં આવશે. જેના ભાગરુપે વડી કચેરીની ટીમના અધિકારીઓ દ્વારા સ્થાનિક એસટી ડેપોના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
- હે રામ ગયો ! જામનગરમાં રખડતા ઢોરે વાહનચાલકને ફંગોળ્યો, જુઓ સમગ્ર બનાવના ચોંકાવનારા CCTV ફૂટેજ
- જામનગરમાં ભાજપના કોર્પોરેટર સામે જાનથી મારી નાખવાની ફરિયાદ, ધીરેશ કનખરાની લાંબા સમયથી તકરાર