જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત EWS-1 અને 2 તથા LIG મળી કુલ 1011 આવાસો સાંસદ પૂનમબેન માડમના હસ્તે લાભાર્થીઓને ફાળવણી કરાઇ હતી. તો અન્ય આવાસ મળી શહેરમાં કુલ 2464 જેટલા ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જો કે, શહેરમાં બનાવવામાં આવેલા અવસોનું વેચાણ થઈ રહ્યું છે પણ અમુક આવાસોમાં હજુ કોઈ પણ ફ્લેટ ખરીદે તેની રાહ જોવાઈ રહી છે.
જામનગરમાં આવાસ યોજનાના અંતર્ગત 2464 મકાન બન્યા, જુઓ હાલની સ્થિતી Etv ભારતે અત્યાર સુધીમાં બનેલા આવાસોની હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે. નવા આવાસો તો બનાવવામાં આવી રહ્યા છે પણ જુના આવાસોનું રીનોવેશન કામગીરી કોણ કરશે.જે તે વખતે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, ગરીબી હટાવો અને રોટી, કપડા ઔર મકાનના સુત્રને આઝાદીના 70 વર્ષથી આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ આ દિશામાં નક્કર પગલા અગાઉની સરકારે લીધા હતા. જેને કારણે ગરીબની જરૂરીયાત સંતોષાણી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, વર્ષ 2022 સુધીમાં એક પણ કુટુંબ એવું ન રહે કે, જેમની પાસે પોતાને રહેવા માટેનું ઘર ન હોય માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અમલમાં મુકેલી છે.યોજનામાં કુલ 1011 કુટુંબોને પોતાનું ઘર મળ્યું છે અને ઘર પણ તમામ સુવિધા યુક્ત એટલે કે, પાણી, ગટર લાઇન, વિજ પુરવઠાની સુવિધાઓ, ગાર્ડન જેવી સુવિધાઓ કુટુંબોને પ્રાપ્ત થશે. જામનગર માટે આનંદનો દિવસ છે કે, કુલ 1011 લોકોને પોતાના ઘરનું ઘર મળ્યું છે.જામનગરમાં લાભાર્થીઓના અણગમાથી જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ અને ગુજરાત હાઉસીંગ બોર્ડના 351 આવાસ ખાલી પડયા છે. શહેરમાં એક સાથે સરકારની ત્રણ ત્રણ કચેરી જામ્યુકો, જાડા અને હાઉસીંગ બોર્ડે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જુદા જુદા વિસ્તારોમાં આવાસ બનાવામાં આવ્યા છે પરંતુ જામ્યુકોના મોકાના સ્થળના આવાસ યોજનાના ફલેટ ખરીદવા લાભાર્થીઓમાં પડાપડીની સામે જાડા, ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસના સ્થળ છેવાડાના અને દૂર પડતા નબળો પ્રતિસાદ મળ્યો છે.
જેના કારણે શહેરના સાધના કોલોની વિસ્તારમાં હાઉસીંગ બોર્ડે વર્ષ-2016 માં રૂપિયા 35 કરોડના ખર્ચે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા રૂપિયા 10 લાખની કિંમતના બે બેડરૂમ હોલ કિચનના 381 માંથી 210 મકાન ત્રણ વર્ષથી ધૂળ ખાય છે. આજ રીતે જાડાએ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લાલવાડી વિસ્તારમાં વર્ષ 2017-18 માં રૂપિયા 44 કરોડના ખર્ચે બનાવેલા વન બેડરૂમ હોલ કિચનના 672 આવાસમાંથી 70 અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુલાબનગર પાસે મોહનનગર વિસ્તારમાં વર્ષ 2019-20 માં રૂપિયા 55 કરોડના ખર્ચે બનાવેલા છે. જે રૂપિયા 3 લાખની કિંમતના વન બેડરૂમ હોલ કિચનના 1008 માંથી 71 આવાસ ખાલી પડયા છે.
જામ્યુકો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં 576 અને લાલપુર રોડ પાસે રધુવીર સોસાયટીમાં 352 આવાસના નિર્માણનું કામ પૂર્ણ થયેલું છે. જયારે લાલપુર રોડ પર ઘાંચી કોલોની પર 96 બેડી રેલવેબ્રીજ પાસે 368 નવા બનનારા આવાસના ડ્રો પણ કરવામાં આવ્યો છે. મોકાના સ્થળે એકપણ મકાન ખાલી નહીં
જામ્યુકો દ્વારા વર્ષ 2013 થી 2015 દરમિયાન મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ મયુરનગર,એમપી શાહ ઉધોગનગર, સત્યમકોલોની રોડ ઉપર કુલ મળી 1144 આવાસ, વર્ષ 2016થી 2019 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાપા, ગોલ્ડન સીટી, લાલાવાડી અને શરૂ સેકશન રોડ પર કુલ 1324 આવાસ બનાવ્યા છે. જે પૈકી એકપણ આવાસ ખાલી નથી.અરજીની સતત પ્રક્રિયા છતાં મકાન ખાલી પડેલા છે.
જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવામાં આવેલા મકાનો પૈકી ખાલી રહેલા મકાનો માટે નિયમ મુજબ લાભાર્થીઓ પાસેથી સતત અરજી મંગાવી ડ્રો કરવામાં આવે છે.પરંતુ લાભાર્થીઓ નિરસ રહેતા મકાનો ખાલી પડયા છે.
આવાસ ખાલી રહેવાનાં કારણો
શહેરથી દૂર અને અવિકસિત વિસ્તારોમાં આવાસોનું નિર્માણ કરવામાં આવતા આ પરિસ્થિતી ઉદ્ભવે છે. શહેરમાં જુદા જુદા સ્થળે આવાસો બનાવામાં આવતા મોકાની અને વિકસિત જગ્યામાં અને છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં બનતા આવાસોની એક સમાન કિંમત, જામ્યુકો પાસે ટીપી ડીપીના રીર્ઝવ પ્લોટના કારણે આવાસ યોજના બનાવવા માટે શહેરમાં સારૂં સ્થળ મળે છે. જયારે જાડા અને હાઉસિંગ બોર્ડને આ પ્રકારની જગ્યા મળતી નથી. જેના કારણે જાડા અને હાઉસિંગ બોર્ડના આવાસના લાભાર્થીઓ દ્વારા રીફંડ લઇ જામ્યુકોની આવાસ યોજનાની પસંદગી કરી રહ્યા છે. શહેરની વસ્તીની સામે આવાસના મકાનોની ઓછી માંગ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા આવાસની વાત કરવામાં આવે તો ફલ્લા ગામમાં બનેલા આવાસો જર્જરિત હાલતમાં છે અને તેનું રીનોવેશન ક્યારે કરવામાં આવશે તેવા સવાલો થઈ રહ્યા છે. જો કે, જે તે અધિકારીઓ રીનોવેશનની કામગીરી મકાન માલિકોએ કરવી પડશે તેવી વાત જણાવી છે. પરિપત્ર બહાર પાડી જામનગર શહેરમાં રહેલા 20 વર્ષ જુના આવાસોમાં રિનોવેશન મકાન માલિકોએ કરવું પડશે તેવું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.
જામનગર જિલ્લામાં 20 વર્ષ પહેલાં બનેલા આવાસો હાલ ખુબ જ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે, ત્યારે મકાનમાલિકો દુધા મુકાયા છે કે, રાજ્ય સરકાર ક્યારે આ મકાનનું રીનોવેશન કરે તે સવાલ ઉભો થયો છે.