ગીર સોમનાથ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકોની જીવનપદ્ધતિમાં ભારે બદલાવ આવ્યો છે. લોકોની દિનચર્યા, વ્યવહારો, સ્વભાવ, સ્વાસ્થ્યને લગતી આદતો, આસ્થા તેમજ ધાર્મિક જોડાણમાં ફેરફાર થતા વધુ ને વધુ સકારાત્મક ઊર્જા તરફ વળ્યા છે. હવે લોકો પોતાના પરિવારની, સ્વાસ્થ્યની, સમયની, અને પોતાની મૂડીની કદર કરતા થયા છે, જે પહેલા ન હતી.
ઈટીવી સ્પેશિયલ: કોરોના દરમિયાન અનેક ભક્તોએ કર્યા સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ દર્શન, સોમનાથ ટ્રસ્ટે માન્યો ઈટીવી ભારતનો આભાર
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં એક પ્રકારનો ભયનો, હતાશાનો માહોલ હતો. લોકો મહિનાઓ સુધી પોતાના ઘરમાં કેદ હતા, તેમજ આર્થિક તથા માનસિક ચિંતાઓમાં ઘેરાયેલા હતા. ત્યારે ઇટીવી ભારત અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકો સુધી સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવા એક જોડાણ કરવામાં આવ્યું. જેમાં ઇટીવી ભારતના ડિજીટલ માધ્યમ મારફતે ભક્તોને ઘરબેઠા જ સોમનાથ મહાદેવના લાઇવ વર્ચ્યુઅલ દર્શન, પવિત્ર આરતી, તેમજ પૂજાનો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. આ રીતે ઇટીવી ભારત દ્વારા પવિત્ર યાત્રાધામ સોમનાથના દર્શન લોકો સુધી પહોંચાડવાના કાર્યને સોમનાથ ટ્રસ્ટે ખૂબ બિરદાવી હતી અને અગ્રીમ ડિજિટલ ન્યુઝ નેટવર્ક તરીકે ઇટીવી ભારતનો આભાર માન્યો હતો.
અનલોકમાં મંદિરો તો ખુલ્યા પરંતુ કોરોનાના ભયને કારણે લોકો રૂબરૂ મંદિરોમાં દર્શન કરવા જતા અચકાઇ રહ્યા હતા. તેવામાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન ફ્રોમ હોમનો વિચાર અમલી કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસમાં ભોળેનાથના ભક્તો તેમના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના દર્શન, આરતી, પૂજા તમામનું સોશિયલ મીડિયામાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. કોરોનાના કપરા કાળમાં લોકોને ઘરે બેઠા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પહોંચાડવાના આ ભગીરથ કાર્યમાં ઇટીવી પણ સક્રિય માધ્યમ બન્યું હતું.
ઇટીવી ભારત ડિજીટલ મીડિયાનું અગ્રીમ પ્લેટફોર્મ છે. જેના દ્વારા લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધી દેશની જુદીજુદી 13 ભાષાઓમાં અનેક લોકો સુધી સોમનાથ મહાદેવના દર્શન નિયમિતપણે પહોંચ્યા હતા. દેશના ખૂણેખૂણેથી ઇટીવી ન્યુઝ એપ અને વેબસાઈટ પરથી સોમનાથની આરતી અને લાઇવ અપડેટ ઉપરાંત નિયમો અને યાત્રીઓને સુવિધાઓ, મંદિરના કાર્યક્રમોના ફેરફારોની તલસ્પર્શી માહિતી લોકોને પુરી પાડવામાં આવી હતી.
શ્રાવણ માસમાં લોકોને સોમનાથ મહાદેવ સાથે જોડવા માટેનો સેવા સેતુ બનવા માટે સોમનાથ ટ્રસ્ટે ઇટીવી ભારતનો વિશેષ આભાર માન્યો હતો. ત્યારે ઇટીવી ભારત પરિવાર પણ લોકોને આ કપરા દિવસોમાં માહિતી, મનોરંજન અને સાથે સાથે સોમનાથના દર્શન પણ એમના સ્માર્ટફોન દ્વારા પહોંચાડવા માટે અને સમાજે મુકેલા વિશ્વાસ બદલ અને ડીજીટલ પ્લેટફોર્મ તરીકે મળેલા લોકોના પ્રેમ માટે આભારી છે.