- વેરાવળની રેયોન કંપનીમાં ગેસ લીકેજની ફરિયાદ
- લોકો ગૂંગણામણ અનુભવતાં ઘર બહાર નીકળી પડ્યાં
- રાત્રે કલેક્ટર કચેરીએ પહોંચ્યાં લોકો, કલેક્ટર ન મળ્યાં
ગીર સોમનાથઃવેરાવળની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી. કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં મંગળવારની રાત્રિના સમયે દોડધામ મચી હતી. લોકોને શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો સર્જાતા મુશ્કેલીમાં મૂકાયાં હતાં. લોકોનો આક્ષેપ હતો કે શહેરની મધ્યમાં આવેલ ઇન્ડિયન રેયોન કંપનીમાંથી ગેસ લીકેજના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પ્રકારની મુશ્કેલી વારંવાર સર્જાતી હોય છે. જેથી રોષે ભરાયેલા સ્થાનિકોનો સમૂહ નજીકમાં જ આવેલ જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને રેયોન કંપની વિરુદ્ધ ફરિયાદ લઈ દોડી ગયાં હતાં. જો કે સિક્યુરિટી દ્વારા લોકોને જિલ્લા કલેક્ટરને મળતા અટકાવાયાં હતાં અને પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને લોકોના ટોળાને વિખેર્યાં હતાં. પોલીસ અને સિકયુરિટીના વર્તનથી લોકોમાં રોષ ફેલાયો હતો.
રેયોન કંપની અનેક પ્રકારે ફેલાવે છે પ્રદૂષણ
આ ઘટના અંગે ખારવા સોસાયટીમાં રહેતાં સામાજિક કાર્યકર દેવેન્દ્ર મોતીવરસે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી રેયોન કંપની વારંવાર ગેસ છોડે છે. જેના કારણ પ્લાન્ટની પાસે આવેલ અમારી ખારવા સોસાયટી સહિત આસપાસના વિસ્તારના લોકો અને બાળકો શ્વાસ લેવામાં તકલીફ સાથે ગૂંગણામણ અનુભવે છે. ગેસ લીકેજથી સંતાનોના આરોગ્ય પર ભયંકર ખતરો મંડરાયો છે. રેયોન કંપની અવાજનું પણ પ્રદૂષણ ફેલાવી રહી છે અને મનસ્વી રીતે ગમે ત્યારે રાત્રિના સમયે સાઉન્ડિંગ કરે છે જેના કારણે રહીશો પરેશાની ભોગવી રહ્યાં છે. આ ઉપરાંત વારંવાર રાત્રિના સમયે રેયોન કંપની કોલસાની કાળી અને સફેદ ભૂકી ફેલાવે છે. જેના કારણે લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે. રેયોન કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ અંગે અનેકવાર જવાબદાર તંત્રને ફરિયાદો કરવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. જેથી ભોપાલમાં થયેલી ગેસ દુર્ઘટના જેવી ઘટના અમારી સાથે સર્જાવાની ભીતિ સતાવી રહી છે.
આ પણ વાંચોઃગ્રીન હાઉસ ગેસની વિપરીત અસરો તાપમાનમાં કરી રહી છે વધારો