ગીર સોમનાથ:પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બાબા વિશ્વનાથની નગરી વારાણસી સાથે જોડતા ટ્રેન વ્યવહારને લઈને પડતર માંગણીઓ દર વર્ષે જોવા મળતી હતી. સોરઠ પંથકની આ વર્ષો જૂની માંગ આગામી સોમવાર અને 11 તારીખે પૂર્ણ થવા જઈ રહી છે. સોમવારે વહેલી સવારે 4 વાગ્યે અને 15 મિનિટે સોમનાથ બનારસ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે.
સોમવારે કરાશે રવાના: ટ્રેન શરૂ થવાને લઈને ભાવનગર મંડળના જનરલ મેનેજર માસુક અહેમદે માધ્યમોને વિગતો આપી છે. આગામી સોમવાર 11 તારીખે વહેલી સવારે 4 વાગ્યે અને 15 મિનિટે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સાથે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સોમનાથ વારાણસી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રથમ વખત રવાના કરવામાં આવશે.
ટ્રેનનો સમય:સોમવારે સવારે સોમનાથથી ઉપડેલી ટ્રેન મંગળવારે બપોરે 2 વાગ્યે અને 35 મિનિટ બનારસ પહોંચશે. તેવી જ રીતે બનારસથી બુધવારે સવારે 07:30 વાગ્યે ટ્રેન રવાના થશે. જે વેરાવળ રેલવે સ્ટેશન બીજે દિવસે સાંજે 6:45 મિનિટે પહોંચશે. આ ટ્રેન કેશોદ, જુનાગઢ, જેતલસર અને લાઠી તેમજ ઢસાના માર્ગ પર અમદાવાદથી લઈને બનારસ સુધી ચાલતી જોવા મળશે.
કેટલા હશે ડબ્બા: પાછલા ઘણા વર્ષોથી આ ટ્રેનની માંગ સતત થતી હતી પરંતુ અંતે સોરઠ વાસીઓની માંગની જીત થઈ છે. હવે સોમનાથથી બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે સોરઠ વાસીઓને સીધી ટ્રેન મળી રહી છે. સાપ્તાહિક ટ્રેનમાં 24 જેટલા કોચ લગાવવામાં આવશે. જેમાં ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશનનો 1, સેકન્ડ ક્લાસ એર કન્ડિશનના 2, થર્ડ એસીના 06, સ્લીપર કોચ 08 અને 4 જનરલ કોચ મળીને 24 કોચની આ વિશેષ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સોમવારથી સોમનાથ વારાણસી વચ્ચે દોડતી જોવા મળશે.