- ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રીક 2 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક
- ગીર સોમનાથ જિલ્લાનું પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર જળમગ્ન થયુ
- જિલ્લાના સૌથી મોટા હિરણ-2 ડેમમાં 4.5 ફૂટ નવું પાણી આવ્યું
ગીર સોમનાથ:આજે સવારથી ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાંજ સુધીમાં 6 તાલુકામાં સરેરાશ 1 થી 2 ઇંચ વરસાદ વરસવાના પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ હતી. આજનો ધીમી ધારનો વરસાદ ખેડૂતોના પાકને નવજીવન મળયા સમાન હોવાથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ગીર જંગલ અને ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર જલમગ્ન થઇ ગયુ હતુ.
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં રવિવારના રાત્રી દરમિયાન વિજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધીમી ધીરે વરસાદ વરસ્યો હતો. બાદ આજે સવારથી જિલ્લાના 6 અને તાલુકાના આકાશમાં કાળા ડીંબાગ ઘેરાયેલા વાદળો સાથે મેધરાજા હેત વરસાવી રહ્યા હતા. જેમાં આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં વેરાવળમાં 22 મીમી (1 ઇંચ), સુત્રાપાડામાં 20 મીમી (પોણો ઇંચ), તાલાલામાં 50 મીમી (2 ઇંચ), કોડીનારમાં 18 મીમી (પોણો ઇંચ), ગીરગઢડામાં 33 મીમી (1.5 ઇંચ) અને ઉનામાં 20 મીમી (પોણો ઇંચ) વરસાદ વરસ્યો છે. ધીમાં વરસાદના પગલે ખેતરોમાં મુરઝાવવાની કગારે પહોચેલ પાકોને નવજીવન મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. તો આખો દિવસ ઝાપટારૂપી સતત વરસેલા વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઢંડક પ્રસરી ગઇ હતી.
ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રીક 2 ઇંચ વરસાદ, વાતાવરણમાં ઠંડક આ પણ વાંચો:જામનગરના કાલાવડમાં NDRFનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જૂઓ વીડિયો...
પ્રાંચીનું માધવરાય મંદિર જળમગ્ન થયું
વહેલી સવારથી જ સુત્રાપાડા પંથકમાં ધીમી ધારે અને ઉપરવાસના ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થની પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ ગઇ હતી. જેના લીધે સરસ્વતી નદીના પટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થનું માધવરાયજી મંદિર જળમગ્ન થઇ ગયુ હતુ. આમંદિર દર વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત જળમગ્ન થઇ જાય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી પાંચેક દિવસ પહેલા થયા બાદ ફરી આજે માધવરાય મંદિર જળમગ્ન થયું છે. સરસ્વતી નદીમાં આવેલા પૂર જોવા ગ્રામજનો કાંઠે ઉમટયા હતા.
નદીમાં ધસમસતા પ્રવાહમાં સીદી બાદશાહ યુવાનોની જોખમી છલાંગ
ગીર જંગલમાં ભારે વરસાદને કારણે તાલાળા ગીરના જાબુંર ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવક જોવા મળી હતી. ત્યારે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં જાબુંર ગામના સિદી યુવાનો પૂલ પરથી જોખમી જંમ્પ લગાવી રહ્યા હતા. જીવનાં જોખમે સરસ્વતી નદીમાં ધસમસતા પાણીમાં સિદી બાદશાહ યુવાનો છલાંગો મારી નદીના પૂરમાં જોખમી આનંદ પણ ઉઠાવી રહ્યા છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ પણ વાંચો: રાજકોટમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત: જુઓ વીડિયો
જિલ્લાના સૌથી મોટા હિરણ-2 ડેમમાં 4.5 ફૂટ નવું પાણી આવ્યું
ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા હિરણ-2 ડેમમાં એક જ દિવસમાં 4.5 (સાડા ચાર) ફૂટ નવું પાણી આવ્યુ છે. હિરણ-2 ડેમ ત્રણ તાલુકાના બે શહેરો અને 80 જેટલા ગ્રામ્ય વિસ્તારના ગામોને, બે ઉદ્યોગો અને સોમનાથ ટ્રસ્ટને પીવાનું પાણી પુરૂ પાડે છે. ગીર જંગલ નજીક ઉમરેઠી ગામ પાસે આવેલા હિરણ-2 ડેમમાં જંગલ વિસ્તારમાં વરસતા વરસાદનું પાણી કુદરતી નદી-નાળા મારફત ઠલવાય છે. ત્યારે આજે ગીર જંગલ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે હિરણ-2 ડેમમાં સવારથી જ પાણીની આવક શરૂ થયેલા અને સાંજ સુધીમાં નવું 4.5 (સાડ ચાર) ફૂટ પાણી આવ્યું છે. જેના લીધે હાલ ડેમ 38 ટકા ભરાય ગયેલા હોવાનું ડેમ અધિકારી કાલસરીયા અને સીંધલએ જણાવેલ છે.