2047 સુધીમાં ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે ગીર સોમનાથ :આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સોમનાથ જિલ્લાના ચાંડુવાવ ખાતેથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. વિકસિત ભારત યાત્રાને લઈને અમિત શાહે બે ભારતનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, એક ભારતના ઉપેક્ષિત લોકોને તમામ પ્રકારની સુખ સુવિધા મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વનું પરિબળ બની રહેશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા : કેન્દ્રીય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિથી આ યોજના સમગ્ર દેશમાં ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં આ યાત્રા આદિવાસી વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે દેશના તમામ ગ્રામ પંચાયતોમાં યાત્રા ફરી રહી છે. ત્યારે આ યાત્રા થકી આજે ભારતના 70 કરોડ ભારતીયોને અન્ય લોકોની સમક્ષ બનાવવા માટે પણ વિકસિત ભારત યાત્રા શરૂ કરવામાં આવી છે.
વર્ષ 2014 સુધી ભારતમાં પણ બે ભારત જોવા મળતા હતા. 70 કરોડ લોકોના ઘરમાં ગેસ, વીજળી, પીવાનું પાણી અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો પણ પહોંચી ન હતી. તેની સામે અન્ય એક ભારતના લોકો ખૂબ સુખ અને સંપત્તિ સાથે જોવા મળતા હતા. -- અમિત શાહ (કેન્દ્રીય ગૃહપ્રધાન)
અમિત શાહનો આશાવાદ : ભારત આઝાદ થયું તેને 75 મુ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે રશિયા, ચીન, જાપાન અને જર્મની જેવા દેશો ભાંગી ચૂક્યા હતા. ત્યારે આ દેશોની સરખામણીએ ભારત વિકાસની દ્રષ્ટિએ આજે ખૂબ પાછળ જોવા મળે છે. આ તમામ દેશો આજે ભારત કરતા તમામ મોરચે આગળ જોવા મળે છે. ત્યારે આજની આ યાત્રા ભારતને વિકસિત દેશોની હરોળમાં સામેલ કરવા માટે સંકલ્પ લેવાનો દિવસ છે. 130 કરોડ ભારતીયો થકી આજે ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
બે ભારતના ઉદાહરણથી ચાબખા : વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત આઝાદ થયું ત્યારે દેશમાં ટાંકણી પણ બનતી નહોતી. આજે ચંદ્રયાન સુધીની સફર ભારતે પૂર્ણ કરી છે. વર્ષ 2014 સુધી ભારતમાં પણ બે ભારત જોવા મળતા હતા. 70 કરોડ લોકોના ઘરમાં ગેસ, વીજળી, અનાજ, પીવાનું પાણી અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો પણ પહોંચી ન હતી. અનાજ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. તેની સામે અન્ય એક ભારતના લોકો ખૂબ સુખ અને સંપત્તિ સાથે જોવા મળતા હતા.
જનતાને ગૃહપ્રધાનની હાકલ : તેઓએ વધુમાં જણાવ્યું કે, 2014 બાદ 70 કરોડ ઉપેક્ષિત ભારતીયોની ચિંતા વર્તમાન કેન્દ્ર સરકાર કરી રહી છે. ચાંડુવાવ ગામના મંચ પરથી અમિત શાહે વર્ષ 2047 સુધીમાં ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરે તે દિશામાં કામ થાય તે માટે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વની બની રહેશે તેવા નિર્ધાર સાથે ઉપસ્થિત સૌ કોઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થવાની હાકલ કરી હતી.
- કચ્છના માંડવીમાં કોંગ્રેસ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ, જાણો શા માટે
- વલસાડની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દર્શના જરદોશ હાજર રહ્યાં, મોટી વાહિયાળમાં શપથ લેવડાવ્યાં