ગીર-સોમનાથ : એક તરફ મહામારી કોરોનાના કારણે ખેત પેદાશો જેવી કે ઘંઉ, કઠોળ, ડુંગળી, લસણ, કેરી સહીતના પાકો લોકડાઉનની સમસ્યાને કારણે અપુરતા ભાવે વેચવાની ફરજ પડી હતી. બીજી તરફ કોરોનાનો ફફડાટ છે, ત્યાં ઊના અને ગીરગઢડા બે છેવાડાના તાલુકાઓના 10 થી વધુ ગામોમાં છેલ્લા બે દીવસથી તીડના આક્રમણે ખેડૂતોની ચિંતા વધારી છે.
ગીર-સોમનાથના ધરતીપુત્રોને પડ્યા પર પાટું, કથળતી ખેતી પર તીડનો ત્રાસ - news in girsomnath
ગીર-સોમનાથમાં ધરતીપુત્રો પર કૂદરત રૂઠી હોય તેમ એક પછી એક સંકટ સતત આવી રહ્યાં છે. ભારે વરસાદ બાદ મગફળી, ઘંઉ, મરચાં ,કેરીમાં નુકસાની વેઠી રહ્યાં હોય ત્યાં તીડે મોટું સંકટ ઊભું કર્યું છે. પ્રથમ વખત તીડનું આગમન થતાં ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે.
ઊનાના સોંદરડી, ફાટસર ,વડવીયાળા ધોકડવા સહિત ગામોમાં અચાનક તીડના ઝુંડ પહોચ્યા હતાં. ઓચિંતા કોઈ સાવધાની કે, સરકારની સુચના પણ ન હોય અને તીડોના મોટાં ઝુંડ પહોચ્યા હતાં. બે દિવસ પહેલા અમરેલી જિલ્લાને અડીને આવેલા બોર્ડર નજીકના ગામોમાં તીડો એ હાહાકાર મચાવ્યા બાદ ફરી ગીર-સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા પંથકના દશેક ગામોમાં તીડનું ઝુંડ આવી ચડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક સાથે લાખોન સંખ્યામાં તીડ આવી ચડતા ગીર અને ગીર આસપાસના ગામોના ખેડૂતો ધંધે લાગી ગયા હતા. પોતાના અમૂલ્ય પાકને બચાવવા માટે ક્યાંક થાળી વેલણ તો ક્યાંક હાકલ ગોકીરો કરતા ખેડૂતો નજરે પડ્યા હતા.
હાલ, ચોમાસુ નજીક છતાં ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતોના ખેતરોમાં કઠોળ, બાજરી, શાકભાજી સહિત પશુઓ માટે ઘાસચારાના કરેલા વાવેતરમાં તીડ આવી ચડતા વધુ એકવાર ગીર પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો પર હવે તીડે તાંડવ કરવાનું શરુ કરતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. તો અનેક ખેડૂતો તીડને લઈ સરકાર પર નારાજ પણ જોવા મળ્યા છે. ખેડૂતોના છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાન તરફથી તીડનું ઝુંડ ગુજરાત આવવાના સમાચાર હતા. તો અત્યાર સુધી સરકાર અને તંત્ર એ ક્યાં કારણે કોઈ પગલાં ન લીધા, માટે વહેલી તકે તીડનો નાશ કરી યોગ્ય નિકાલ થાય તેવી રજૂઆતો કરાઇ રહી છે. જયારે ખેતીવાડી વિસ્તરણ અધિકારીના મતે તીડ વધારે માત્રામાં નથી, અને જિલ્લામાં હાલ ખાસ કોઈ ઉત્પાદન ન હોવાને કારણે બહુ મોટું નુકશાન થવાની કોઈ જ સંભાવના નથી. જયારે ખેડૂતોના મતે બાજરી, કપાસ, શાકભાજી સહિત ચોમાસા પહેલા વાવેતર કરેલી મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન જવાનો ભય છે.