વધુમાં સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો, શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરીને સોમનાથ મહાદેવને પ્રસન્ન કર્યા હતા અને શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં સોમનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે, આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. પ્રાગઐતિહાસિક કાળમાં નિર્માણ પામેલું સોમનાથ મંદિર અનેક વખત વિધર્મી આક્રમણખોરો સામે લડીને ખંડિત થયું હતું. પરંતુ પુનઃનિર્માણ બાદ આજે ભારતના ઇતિહાસમાં અજેય અને અડીખમ જોવા મળી રહ્યું છે.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આજે 69મો સ્થાપના દિવસ
ગીરસોમનાથઃ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના 69માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઊજવણી થઇ રહી છે, ત્યારે આજે ઐતિહાસિક સ્થાપના દિવસની યાદો તાજી થશે. વૈશાખ સુદ પાંચમ અને 11 મે 1951ના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. આજે વિશેષ મહાઆરતી સાથે મહાપુજા અને ધ્વજા રોહણ પણ થશે. આ ઉપરાંત નૃત્ય વંદના અને સાંજના સમયે મહા આરતી યોજાશે.
સોમનાથ મંદિરની રક્ષા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને આજે પણ યાદ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. આ પ્રસંગે સોમનાથ મહાદેવના દર્શને આવેલા દેશ વિદેશના શ્રધ્ધાળુઓને અનાયાસે સોમનાથ મહાદેવના આ વિશેષ દિવસે દર્શન કરવાનો લાભ મળ્યો હતો. તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાદેવના ભકતોએ અલૌકિક શાંતિની અનુભૂતિ કરી હતી તેમજ સોમનાથ મંદિરને હિન્દૂ ધર્મની આસ્થા અને એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમજ બીજા ભાવિકોને એક વાર સોમનાથ અચૂક આવવાનો અનુરોધ પણ કર્યો હતો.
સોમનાથ મંદિરની વાત કરીએ તો આ મંદિર મહા પ્રસાદ અને મેરુ પ્રસાદ એવી બે શૈલીને જોડીને મહંમેરુ પ્રસાદ નામની નવીન શૈલીમાં બનાવવામાં આવ્યું છે. જેમાં કુલ 3 મંડપ એટલે કે ગર્ભગૃહ, નૃત્યમંડપ અને સભામંડપ આવેલા છે. તો સાથે જ 3 માળના આ મંદિરમાં 251થી વધુ સ્તંભો આવેલા છે. મંદિરના શિખર કળશનો વજન આશરે 10 ટન જેટલો છે. તેમજ આ મંદિરની કુલ ઊંચાઈ 211 ફૂટ અને 4 ઈંચ છે.