ગીરસોમનાથ : જીલ્લામાં કેસર કેરી બાદ બીજો ફટકો અહીંના પ્રખ્યાત લીલા મરચાને પડ્યો છે. ગીરસોમનાથના સોનારીયા, નાવદ્રા, આજોઠા, ઈન્દ્રોઈ, મેઘપુર સહીતના ગામો છેલ્લા ઘણા દશકાથી લીલા મરચાની ખેતી માંટે પ્રખ્યાત છે. અહીની જમીન અને આબોહવા સાથે 35 ડીગ્રી તાપમાન મરચાને માફક હોય છે. જેથી કરીને અહી ભારે માત્રામાં મરચાનું ઉત્પાદન કરાઇ છે.
લોકડાઉનને પગલે ગીરના તીખા તમ-તમતા મરચાના ખેડૂતો બેહાલ - મરચા
તીખા તમ-તમતા લીલા મરચાના ગઢ એવા ગીર સોમનાથના અનેક ગામના ખેડૂતો પરેશાન થયા છે. કારણ કે તીખા મરચાની મુખ્ય માગ તમામ હોટેલો, રોસ્ટોરન્ટો, ખાણી પીણીની લારીઓ અને મેટ્રો સિટીમાં હોય છે. જ્યારે લોકડાઉનને પગલે હોટલ અને ખાણીપીણીનો ઉદ્યોગ બંધ થયો છે. આ સાથે જ અમદાવાદ, રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં કોરોનાને કારણે માગ નીચી ગઈ છે, ત્યારે હાલ જે ગુણી 700 રૂપિયાના ભાવમાં વેચાતી હતી તે જ ગુણી હવે 50થી 100ની વચ્ચે પણ કોઈ લેવા તૈયાર નથી.
મરચાથી એક વીઘામાં એક લાખની આવક થાય છે. જેથી અહી મરચાની ખેતીનો સારો વિકાસ થયો છે. અહીંના લીલા મરચા અમદાવાદ, બરોડા સહીત હાઈવે હોટેલો રોસ્ટોરન્ટોમાં ભારે વેચાય છે, પરંતુ કોરોના અને લોકડાઉન બાદ તમામ હોટેલો, ભોજનાલયો, રેસ્ટોરન્ટો બંધ છે. શહેરોમાં પણ લોકડાઉનને પગલે આ માગ ઘટી છે. જેથી 700 રૂપીયાની મરચાની 13થી 15 કીલોની ગુણી 700 રૂપિયાને બદલે માત્ર 50થી 100 રૂપીયામાં વેચવા તૈયાર ખેડુતો પાસેથી કોઈ મરચા ખરીદવા તૈયાર નથી.
આ પગલે ગીરસોમનાથમાં છેલ્લા 1 વર્ષથી જાણે ખેડૂતો માટે કાળ ચક્ર ચાલતું હોય તેમ કોઈપણ પાક સફળ નથી જઈ રહ્યો, ત્યારે તેઓ ઈશ્વર ઉપર કૃપા કરવા પ્રાર્થના કરી રહ્યા છે.