- ઊના તાલુકામાં માત્ર એક કોવિડ હોસ્પિટલને સારવાર માટે મંજૂરી
- ઓક્સિજનનો અપૂરતો જથ્થો, વેન્ટીલેટરની સુવિધા ન હોવાથી દર્દીઓ મોતને ભેટી રહ્યા છે
- કોવિડ હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરવા પૂર્વ ધારાસભ્યએ મુખ્યપ્રધાનને કરી રજૂઆત
ગીર સોમનાથઃ ઊના તાલુકાના 74 ગામ અને શહેરની કુલ વસ્તી આશરે અઢી લાખ છે. શહેરમાં રોજીંદા 50 લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે તાલુકામાં માત્ર એક કોવિડ હોસ્પિટલને સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફક્ત 22 બેડની જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ માત્ર 2 વેન્ટીલેટરની સુવિધા છે. જેથી અતિ ગંભીર દર્દીઓને વેન્ટીલેટર, ઓક્સિજનની જરૂરિયાત પુરી ન થતા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. આથી ઊનાના પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડે ઊનામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં કોરોનાના 9 નવા કેસ, લોકોને વતન મોકલવાનો નિર્ણય બન્યો શાપ સમાન
રોજના 50થી વધુ દર્દીઓનું વેઇટીંગ
ગીરસોમનાથ જિલ્લા માટે વેરાવળ અને સીવીલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ ત્યાં મર્યાદીત બેડની સુવિધા છે અને સમગ્ર જિલ્લાના દર્દીઓ સારવાર માટે ત્યાં જાય છે. જેથી રોજના 50થી વધુ દર્દીઓનું વેઇટીંગ છે. તેમજ ગીરગઢડા સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં કોવિડની સારવાર માટે મંજૂરી અપાઈ છે, પરંતુ ઓક્સિજનનો અપુરતો જથ્થો અને વેન્ટીલેટરની સુવિધા ન હોવાના કારણે દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગીરગઢડા કોવિડ હોસ્પિટલમાં પણ ફક્ત 17 બેડની જ સુવિધા ઉપલબ્ધ છે.
સમયસર ઇન્જેક્શન મળતા ન હોવાથી ઊના પંથકમાં મૃત્યુઆંક વધી રહ્યો છે
ઊના કોવિડ હોસ્પિટલ તેમજ ગીરગઢડા કોવિડ હોસ્પિટલમાં બેડ ઓક્સિજન અને વેન્ટીલેટરની સુવિધા નથી. તેમજ ગંભીર દર્દીઓને જરૂરી રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે ઊનાથી 85 કિ.મી. દૂર વેરાવળ હોસ્પિટલ ખાતે જવું પડતુ હોય છે. જેથી આવક જાવકમાં 7 કલાકથી વધુ સમય વ્યતીત થાય છે. જેનાથી દર્દીઓને સમયસર ઇન્જેક્શન મળતા ન હોવાથી ઊના પંથકમાં મૃત્યુઆંક વધી રહ્યો છે.