ગીરસોમનાથઃ આમ તો ગીરની કેસર કેરી પોતાની મીઠાશ માટે જગવિખ્યાત છે. પણ કેસર કેરીના એવા ચાહકો જેઓ ડાયાબિટીસ પેશન્ટ હોય તેઓએ વધુ પડતી મીઠાશના કારણે કેરીનો પરહેજ કરવો પડે છે. ત્યારે ગીરમાં કેરીની જાતના શોખીન ખેડૂત દિનેશ ગઢેચા દ્વારા અમેરિકાના ફ્લોરિડામાં શોધાયેલી "ટોમ એટકીન્સ" કેરીનું સફળ ઉત્પાદન થયું છે. ગણતરીના વર્ષોમાં જ દિનેશભાઈ ડાયાબિટીસના દર્દીઓ માટે આ શ્યુગર ફ્રી કેરી બજારમાં લાવશે.
ગીરમાં ઉછરી રહી છે શ્યૂગર ફ્રી મેંગો, ડાયાબિટીસના દર્દીઓ માટે આવશે બજારમાં જો આપ હેલ્થ કોન્શિયસ છો અને કેરી ખાવા સમયે શ્યુગર અને કેલેરીને કારણે કેરીનો સ્વાદ માણી નથી શકતાં તો આપના માટે આ સાચે જ મીઠાં મધૂરાં સમાચાર છે. મૂળ અમેરિકાના ફ્લોરિડામાં શોધાયેલી કેરીની "ટોમ એટકીન્સ" જાત બીજી કોઈપણ કેરીની જાત કરતાં 75 ટકા ઓછું શ્યુગરનું પ્રમાણ ધરાવે છે. સમયાંતરે ફ્લોરિડામાં શોધાયેલી આ જાત ભારતમાં નૈનિતાલ પહોંચી અને ત્યાંથી કેરીઓના સ્વર્ગ સમાન ગીરમાં પહોંચી છે. હાલ માત્ર એક જ વૃક્ષમાં ઝળૂંબી રહેલી આ ઘાટા જાંબલી રંગની રીંગણ જેવી દેખાતી કેરી ડાયાબિટીસ ધરાવતાં લોકો માટે સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ બની રહેશે. ટોમ એટકીન્સ કેરી વાવનાર દિનેશભાઈ હાલમાં 1 આંબા ઉપર ઉગતી 25 કિલો જેટલી કેરી માત્ર ભેટ સ્વરૂપે આપી રહ્યાં છે. જોકે ડાયાબિટીસ ધરાવતાં લોકો તરફથી આવતી માગણીઓ અને આ કેરીને મળેલ લોકોનો પ્રતિસાદ જોઈ તેઓએ આ કેરીને વધારે પ્રમાણમાં વિકસાવવા નિર્ણય લીધો છે.ત્યારે દશકોથી કેરીની વિવિધ જાતોનું ઉત્પાદન અને અભ્યાસ કરતાં વિશેષજ્ઞો અનુસાર "ટોમ એટકીન્સ" કેરીની જાતને અમુક દેશોમાં બ્લેક મેંગો તરીકે ઓળખવામાં આવે છે. આ કેરીઓ શ્યુૃૂગર ફ્રી હોવાથી ડાયાબિટીસ વાળા લોકોમાં આ કેરીએ ઘેલું લગાડ્યું છે અને લોકો આ જાતની કેરીના રોપ શોધી રહ્યાં છે. ETV Bharat સાથે વાત કરતાં સૂત્રાપાડા તાલુકામાં ફરજ બજાવતાં ડોક્ટર પંડ્યા અનુસાર ટોમએટકીન્સની જે માહિતી ઉપલબ્ધ છે, એે પ્રમાણે આ કેરી 70થી 75 ટકા જેટલું ઓછું શ્યુગર ધરાવે છે જેના કારણે શ્યુગર લેવલ કાબૂમાં રાખનાર છે જેના કારણે આ કેરી વધુ લોકો સુધી પહોંચે તે આવકાર્ય છે. માત્ર શોખથી અખતરારૂપે દિનેશભાઈએ વાવેલી "ટોમ એટકીન્સ" કેરીની કલમ શ્યુગર ફ્રી કેરી રૂપે ગીરની નવી ઓળખ બને તો નવાઈ નહીં.