- પૂર્વ કેબિનેટ પ્રધાન અને જિલ્લા ભાજપ પ્રમુખે સરકારને પત્ર લખ્યો
- સૂત્રાપાડા તાલુકામાં કોવિડ કેર સેન્ટર બનવાથી કોરોનાના દર્દીઓએ બહાર નહીં જવું પડે
- CHC કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી
ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે દર્દીઓને હોસ્પિટલ્સમાં બેડ નથી મળી રહ્યા. તેવા સમયે સૂત્રાપાડામાં આવેલા CHC કેન્દ્રમાં 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની માગ કરવામાં આવી છે. આ અંગેની રજૂઆત કરવા માટે પૂર્વ કેબિનેટ પ્રધાન જસાભાઈ બારડ અને ભાજપના જિલ્લા પ્રમુખ માનસિંહ પરમારે સરકારને પત્ર લખ્યો છે.
આ પણ વાંચોઃડીસામાં વધતા જતા કોરોના વાઇરસના કેસ વચ્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
CHC કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર બનતા લોકોએ બહાર નહીં જવું પડે
પૂર્વ કેબિનેટ પ્રધાન જસાભાઈ બારડે જણાવ્યું હતું કે, સૂત્રાપાડામાં નવનિર્મિત CHC કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવું જરૂરી છે. કારણ કે, CHCના ઈન્ચાર્જ ડો. કરગઠીયા સાથે બેઠક કરી મેળવેલી માહિતીથી તાલુકા મથકે કોરોના મહામારીને પહોંચી વળવા સુવિધા વધારવી જરૂરી છે. આથી સૂત્રાપાડા CHC દવાખાનામાં 20થી 25 બેડની સુવિધાવાળુ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે, જેથી દર્દીઓને ઘર આંગણે જ સારવાર મળી શકે. કોઈ પણ દર્દીએ દૂર ન જવું પડે. આ સાથે જ CHCમાં ઓક્સિજનની બોટલો તથા જરૂરી દવાઓ સહિતની સુવિધાઓ પૂરી પાડવા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃદેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ
ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સુવિધા વધારવી એ સમયની આવશ્યકતા છેઃ ભાજપ પ્રમુખ
ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સુવિધા વધારવી સમયની આવશ્યકતા છે. જો તાલુકામથકે આરોગ્યની સુવિધા હશે તો દર્દીઓ અને લોકોને જિલ્લામથક સુધી લાંબુ થવું નહીં પડે. સૂત્રાપાડા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવારની સુવિધા મળી રહેશે.