સોમનાથ" અનેક વખત લુટાયું પણ લોકોની આસ્થા ટસની મસ ન થઇ. જીર્ણ અવશેષોમાં વિખરાયેલા સોમનાથ મંદિરને રાહ હતી એવા વ્યક્તિની કે જે આ વિખેરાયેલા કાટમાળને સમેટી અને સોમનાથની પતાકા ફરીથી લેહરાવે અને 13 નવેમ્બર 1947 ના દિવસે સોમનાથની આ રાહ પુરી થઈ. 12 નવેમ્બર 1947- આરઝી હુકુમત દ્વારા જ્યારે જુનગઢ સ્વતંત્ર કરાવામાં આવ્યું ત્યારે સરદાર પટેલ પેહલા જૂનાગઢ અને ત્યારબાદ 13 નવેમ્બર 1947 એ સોમનાથ ગયા હતા.
સોમનાથના ભગ્ન અવશેષો જોઈ તેમનું હદય દ્રવી ગયું અને તેઓએ સોમનાથ નજીક સમુદ્ર જળ માંથી અંજલિ લઈ અને સોમનાથનો પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો. લોકભાગીદારીથી સરદાર પટેલે આ મંદિર બનાવવા આહવાન કર્યું, જેના પ્રત્યુત્તરમાં જામનગરના રાજવી જામસાહેબ તેમજ હાજર તમામે દાનની સરવાણી વહાવી અને સોમનાથનું પુનઃ નિર્માણ શરૂ થયું.