આ અંગે ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે, આગામી 2 ઓગષ્ટથી 30 ઓગષ્ટ સુધી સોમનાથ તીર્થ શિવ પંચાક્ષર ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠશે. ત્યારે દેશ-વિદેશમાંથી આવનારા ભાવિકો નિર્ભય રીતે સોમનાથ મંદિરમાં દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા પોલીસ SRP સિક્યુરીટી સ્ટાફ દ્વારા ફરજ બજાવશે તેમજ CCTVથી નજર રાખવામાં આવશે. તો અહીં તૈયાર થયેલા 45 લાખના ખર્ચથી બનેલા અદ્યતન શુલભ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે 2 હજાર ફોરવ્હીલ તેમજ 200 બસ પાર્ક થઈ શકે તેવું અદ્યતન પાર્કીંગ પણ શ્રાવણના પ્રારંભ સાથે જ ખુલ્લુ મુકાશે. અહીં વિવિધ પ્રસાદ ભંડારા તેમજ ભક્તિ, સંગીત સહીતના કાર્યક્રમો પણ યોજાશે.
શ્રાવણ માટે સજ્જ છે સોમનાથ મંદિર, વિવિધ સુવિધાઓ સાથે પોલીસની કડક સુરક્ષા રહેશે
ગીરસોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગ એવા ગીર સોમનાથ 2 ઓગષ્ટથી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. સાથે જ ગીરસોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. ગીરસોમનાથ ટ્રસ્ટ તેમજ જિલ્લા પોલીસે દ્વારા સુરક્ષા વ્યવસ્થા બાબતે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ભક્તો શાંતીથી દર્શન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, શ્રાવણ માસમાં અહીં આવતા ભાવિકો માટે સ્નાનાગારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. ભોજન, પ્રસાદ, ભક્તિ માટે ડોમ સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ માસના ચાર સોમવાર દરમિયાન સવારે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. સાથે જ આરતી સમયે અભિષેક બંધ રાખવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ પુષ્પો દ્રવ્યોથી ભગવાન સોમનાથને શ્રુંગાર કરવામાં આવશે.
ગીરસોમનાથ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમારે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં ભાવિકો સોમનાથ દર્શને આવશે. સુરક્ષા માટે ખાસ 1 DYSP, 3 PI, 6 PSI, 102 પોલીસ જવાનો તેમજ 80 GRDના જવાનો સાથે SRPના જવાનો સુરક્ષામાં ફરજ બજાવશે. સાથે જ પોલીસ ત્રણ જગ્યાએ યાત્રિકોની મદદ માટે તૈનાત રહેશે.