- ઉતરપ્રદેશના ઓસીયા ગામના આધેડનું પરિવાર સાથે મિલન
- દોઢ વર્ષ પૂર્વે ઉતરપ્રદેશના ઓસીયા ગામથી ગુમ થયા હતા
- સોમનાથની સંસ્થાએ કરાવ્યું મિલન
ગીર સોમનાથ: દોઢ વર્ષ પૂર્વે ઉતરપ્રદેશના ઓસીયા ગામથી ગુમ થયેલા માનસિક અસ્થિર આધેડ ફરતા-ફરતા ત્રણ માસ પૂર્વે સોમનાથ ભૂમિ પહોંચી જતા સેવાભાવિ સંસ્થા ખાતે રહેતા હતા. પરમોધર્મના સૂત્ર મુજબ કામ કરતી નિરાધારના આધાર સંસ્થાએ પોલીસની મદદથી આઘેડના પરિવારજનોની ભાળ મેળવી સ્વજનો સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
નિરાધારનો આધાર આશ્રમે સારસંભાળ કરી
વેરાવળ-જૂનાગઢ હાઇવે પર આવેલા નિરાધારનો આધાર આશ્રમમાં રસ્તા પર રઝળતા બિનવારસી અસ્થિર મનોસ્થિતી ધરાવતા વ્યકિતઓને લાવી સારસંભાળ કરવામાં આવે છે. આશ્રમના સંચાલકો દ્રારા વ્યક્તિઓના પરીવારજનોની શોધખોળ કરી મિલન કરાવવાનું ઉતમ કાર્ય કરવામાં આવે છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાંથી દોઢ વર્ષ પૂર્વે લાપતા બનેલા આધેડનું પરીવાર સાથે મિલન કરાવવામાં આ સંસ્થા નિમિત્ત બની છે. જે અંગે આશ્રમના સંચાલનકર્તા જનકભાઇ પારેખએ જણાવ્યુ કે, ત્રણ માસ પૂર્વે ટોલ નાકા નજીક એક વ્યક્તિ માનસિક અસ્થિર અને મેલીઘેલી હાલતમાં બિનવારસી મળી આવેલો હતો. જેને આશ્રમ ખાતે લાવી તેની સારસંભાળ રાખવામાં આવી રહી હતી. આ વ્યક્તિને તેના પરીવાર અંગે અવારનવાર પૂછપરછ કરવામાં આવતી હતી, પરંતુ અસ્થિર મગજના કારણે કોઈ ચોક્કસ વિગત મળતી ન હતી. આ દરમ્યાન એક વખત આ વ્યક્તિએ પોતે ઉત્તરપ્રદેશના ઓસીયા ગામનો હોવાનું જણાવતા સંસ્થાએ ઉતરપ્રદેશ પોલીસની મદદ મેળવી તપાસ કરતા દોઢ વર્ષ પૂર્વે આ વૃદ્ધ ત્યાંથી લાપતા બનેલા હોવાનું અને તેમનું નામ નંદલાલ યાદવ હોવાની માહિતી મળી હતી.