ગુજરાતી અને તમિળ ચિત્રકારની કળાનો સંગમ સોમનાથ : સોમનાથ ખાતે તમિલનાડુ અને ગુજરાતની ચિત્રકલાનો પણ અનોખો સમન્વય પ્રભાસની પાવનભૂમિ સોમનાથમાં થયો હતો. તમિલનાડુના એ કુમારસન અને ગુજરાતના નવીન સોની દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં ગુજરાત અને તમિલનાડુની ચિત્રકલાના વિવિધ પાસાઓને ઉજાગર કરાયા હતાં.
ગુજરાતી અને તમિલ ચિત્રકારોની જુગલબંધી : સોમનાથ ખાતે તમિલનાડુ અને ગુજરાતના ચિત્રકારોનો પણ અનોખો સમન્વય સર્જાયો હતો. ફેસેલિટી સેન્ટરમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં ગુજરાતી અને તમિલ ચિત્રકારોની જુગલબંધીએ ચિત્રકલાને નવો આયામ આપ્યો હતો. તમિલનાડુથી આવેલા એ કુમારસન અને કચ્છના નવીન સોની દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો વડોદરામાં અદભૂત પેઇન્ટિંગ એક્ઝિબિશન, મનુષ્યના વિવિધ હાવભાવ ગાયના માધ્યમથી દર્શાવ્યા
તંજાવુર કલાના માસ્ટર ચિત્રકાર : તમિલનાડુના ચિત્રકાર એ કુમારસન તંજાવુર કલાના માસ્ટર ચિત્રકાર માનવામાં આવે છે. તેમણે તેમના કલાના માધ્યમથી રાધાકૃષ્ણ, સરસ્વતી, ગણેશ તેમજ શિવના વિવિધ સ્વરૂપો પોતાની ચિત્રકલાના માધ્યમથી રજૂ કર્યા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલા 30 જેટલા ચિત્રોનું પ્રદર્શન સોમનાથમાં ગોઠવાયું હતું.
આ પણ વાંચો આધુનિક ભારતના કલા મૂર્ધન્યોમાં વિખ્યાત આંતરરાષ્ટ્રીય ચિત્રકાર રઝાના ચિત્રોનું પોરબંદરમાં પ્રદર્શન યોજાયું
પૌરાણિક વિષયો રજૂ કર્યાં :ગુજરાતી ચિત્રકારે વિલુપ્ત થતી કલાને ઉજાગર કરી ગુજરાતી કલાકાર ચિત્રકાર નવીન સોનીએ તેમની ચિત્રકલાના માધ્યમથી ખંડિતા સ્વાધીનભ્રુતુકા અભિસારીકા પોષિતિ ભ્રુતિકા વિપ્રલબ્ધ અષ્ટનાયિકા જેવા પૌરાણિક પાત્રોને ધ્યાનમાં લઈને પેઇન્ટિંગ રજૂ કર્યાં હતાં. આ પાત્રોના ભાવ ચિત્રોના રૂપમાં લોકો જોઈ શકે તે માટે પૌરાણિક વિષયોને ધ્યાને રાખીને તેમણે તેમના દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન ગોઠવ્યું હતું. તો તેમના પુત્ર જીગર સોની દ્વારા જપ્તતાલ એકતાલ નંદિતાલ રુદ્રતાલ બ્રહ્મતાલ જેવા વિલુપ્ત થતા નવતાલના ચિત્રોને પણ પ્રદર્શનમાં સોમનાથ આવતા યાત્રિકો માટે ગોઠવ્યા હતાં.
બે રાજ્યોની સંસ્કૃતિ જોડાશે : તમિલનાડુથી ખાસ આવેલા તંજાવુર પ્રાંતના પ્રખ્યાત ચિત્રકાર એ કુમારસને ચિત્ર પ્રદર્શનને લઈને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે રીતે બે રાજ્ય ધાર્મિક સામાજિક અને પારિવારિક સંસ્કૃતિથી વર્ષો બાદ જોડાઈ રહ્યા છે તેમાં ચિત્રકલા પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. તેમના દ્વારા મુખ્યત્વે ધાર્મિક વિષયોને લઈને ચિત્રો બનાવવામાં આવે છે તો બીજી તરફ ગુજરાતના ચિત્રકારો ધાર્મિક વિષયોમાં જોવા મળતા ભાવોને પ્રદર્શિત કરતા ચિત્રો બનાવે છે. આ બંને કિસ્સામાં ગુજરાત અને તમિલનાડુની ચિત્રકલા અને તેની સાથે જોડાયેલા ચિત્રકારોની ભાવના બિલકુલ એક સમાન જોવા મળે. હજાર વર્ષ બાદ જે રીતે પ્રભાસ તીર્થ ક્ષેત્રના આંગણે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલાનો વારસો ફરી એક વખત જુગલબંધી કરી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં આ કલા વારસો બે રાજ્યોની સંસ્કૃતિને પણ એક વખત જોડવામાં સફળ થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.