ગીર સોમનાથ : જિલ્લાના વડામથક વેરાવળ ખાતે કારના એન્જિનમાં છુપાઈને બેઠેલા બિન ઝેરી ધામણ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. સર્પપ્રેમી રાજુ સોલંકીએ ઘાયલ અવસ્થામાં સાપને મોટરકારના એન્જિનમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને સ્થળ પર જ પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હતો. કોઈ ગંભીર પ્રકારની ઈજાઓ ન હોવાને કારણે તેને સુરક્ષિત વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
Gir Somnath Snake Rescue : મોટર કારના એન્જિનમાં છુપાયો અધધ મોટો સાપ, જુઓ વિડીયો - સર્પપ્રેમી રાજુ સોલંકી
ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે રહેણાંક વિસ્તારમાં નોળીયા સાથે લડાઈમાં એક સાપ ઘાયલ થયો હતો. બિન ઝેરી ધામણ સાપ મોટરકારના એન્જિનમાં છુપાઈ ગયો હતો. જેને વેરાવળના સર્પપ્રેમી રાજુ સોલંકીએ રેસ્ક્યુ કરીને સાપની સારવાર કરી હતી. તેને સુરક્ષિત જગ્યા પર છોડી મૂકવામાં આવ્યો હતો.
સાપનું સુરક્ષિત રેસ્ક્યુ : વેરાવળના કોલોની વિસ્તારમાં રહેતા અર્પણાબેનની કારમાં સાપ ફસાયો હતો. આ અંગે જાણ થતા તેમણે વેરાવળના સર્પપ્રેમી રાજુ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાપને સુરક્ષિત રીતે કારના એન્જિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
સર્પ ખેડૂતનો મિત્ર :સાપને મોટરકારના એન્જિનમાંથી બહાર કાઢતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાપનુ રેસ્ક્યુ કરનાર રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, નોળીયા સાથેની લડાઈમાં સાપ ઘાયલ થઈને ખૂબ જ ગભરાયેલી હાલતમાં સુરક્ષા માટે કારના એન્જિનમાં છુપાઈને બેઠો હતો. જેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ચોમાસા દરમિયાન સાપ જમીનમાંથી વરસાદને કારણે બહાર નીકળતા હોય છે. સાપ અકસ્માતે રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. આજે પકડાયેલો ધામણ સાપ બિનજેરી હોવાની સાથે તે પ્રકૃતિ માટે વરદાન રૂપ પણ માનવામાં આવે છે.