અરબી સમુદ્રમાં 'મહા' વાવાઝોડું એક્ટિવેટ થયું છે, જે ગીરસોમનાથથી હજુ ઘણું દૂર છે અને આગામી 7 તારીખ સુધીમા તે વેરાવળ અને સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે હિટ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. "મહા" નામની આફત આગામી 6 થી 7 તારીખે ત્રાટકવાની છે. પરંતુ, તેની જોરદાર અસર હાલ ગીર વિસ્તારમાં જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે ગીર સોમનાથના કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભારે નુકશાન થયું છે.
ગીરસોમનાથમાં 'મહા'ની આડઅસર, વરસાદમાં કોડીનાર યાર્ડની 6000 ગુણી મગફળી ધોવાઈ
ગીરસોમનાથઃ 'મહા' ચક્રવાતની આડઅસરથી ગીરસોમનાથના કોડીનાર, ઉના, વેરાવળ અને સૂત્રાપડા તાલુકામાં મોડી રાત્રે ખાબકેલા વરસાદે તારાજી સર્જી હતી. વરસાદના પગલે કોડીનાર યાર્ડમાં અંદાજે 6000 ગુણી મગફળીને નુકશાન થયું હતું.
ગીરસોમનાથમાં 'મહા' ની આડઅસર
કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આશરે 6 હજારથી વધુ ગુણી મગફળી હરાજી માટે લાવી હતી. જે તમામ મગફળી પર વરસાદી પાણી ફરી વળ્યું હતુ. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે મોટા પ્રમાણમાં ખેડૂતોનો સોયાબીનનો જથ્થો પણ પલળી ચુક્યો હતો. જેના પગલે વહેલી સવારે ખેડૂતો APMC ખાતે પહોંચી પોતાની મગફળીના દ્રશ્યો જોઈ ચિંતાતુર બન્યા હતાં.