- રાજ્યના સી ફૂડ નિકાસકારોના ચીનમાં 35 કરોડ અને સરકારમાં 200 કરોડ ફસાયા
- સી ફૂડ એક્ષપોર્ટ એસોસિએશને રજૂઆત કરી
- રાજ્યના 80 ટકાથી વધુ સીફૂડ એક્સપોર્ટ યુનિટ વેરાવળ ખાતે કાર્યરત
ગીર સોમનાથ:કોરોના મહામારીના કારણે રાજયના ફીશ નિકાસકારોના હાલત કફોડી, કરોડોની રકમ વિદેશમાં અને કેન્દ્ર સરકારમાં અટવાતા મત્સ્યોઘોગ ઉપર ઘેરૂ સંકટ કેન્દ્ર સરકાર રકમ છુટી નહીં કરે તો નવી સીઝનમાં વેપાર નહીં કરી શકે નિકાસકારો રાજય સરકાર ચીનમાં રહેલા ભારતીય રાજદુતની મદદથી ગુજરાતના ફીશ નિકાસકારોનું અટવાયેલું 35 કરોડથી વઘુનું પેમેન્ટ છુટુ કરાવી આપે તેવી માંગણી કરી છે.
નિકાસ કરાયેલી ફીશના માલનું 35 કરોડથી વઘુનું પેમેન્ટ અટવાયુ
કોરોના મહામારીના કારણે ફીશના નિકાસકારોની હાલત કફોડી બની ગઇ છે. કારણ કે, નિકાસ માટે કેન્દ્ર સરકારની સ્કીમ અંર્તગત મળવાપાત્ર રીફંડની 200 કરોડની રકમ મળી નથી તો ચીનમાં નિકાસ કરાયેલી ફીશના માલનું 35 કરોડથી વઘુનું પેમેન્ટ અટવાયુ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ફીશ નિકાસકારો માટેની નવી સ્કીમના દરો જાહેર ન થયા હોય તેમજ પોરબંદરમાં કાર્યરત લેબોરેટરીમાં યુરોપ, ચીન અને અમેરીકા દેશોમાં પ્રી એક્ષપોર્ટ ટેકસ્ટ કરવાની પરવાનગી આપવા સહિતના પ્રશ્નોને લઇ સીફૂડ એક્ષપોર્ટ એસોસીએશન (ગુજરાત)નું પ્રતિનિઘિ મંડળએ મુખ્યપ્રધાનને મુલાકાત લઇ રજૂઆત કરી રાજયના સી ફુડ નિકાસકારો માટે આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગણી કરી હતી.
ગુજરાતનો દરીયાકાંઠો ભારતના વિકાસનો દ્વાર બની રહ્યો છે
સી ફુડ એક્ષપોર્ટર એસોસિએશન ગુજરાતના પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ જગદીશભાઇ ફોંફડી સહિતના પ્રતિનિઘિ મંડળએ મુખ્યપ્રધાનને મળી આપેલી લેખિત રજૂઆતમાં જણાવેલું કે, ગુજરાતનો દરીયાકાંઠો ભારતના વિકાસનો દ્વાર બની રહ્યો છે. સમગ્ર ભારતમાંથી સૌથી વધારે દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. જેમાં પણ રાજયના 80 ટકાથી વઘુ સી ફુડ એક્ષપોર્ટ યુનિત વેરાવળ (સોમનાથ)ના કાંઠે કાર્યરત છે. સને. 2018-19માં સમગ્ર ભારતમાંથી 13,76,835 ટન ફીશની નિકાસ થતા 46,821.59 કરોડનું વિદેશી હુંડીયામણ દેશને મત્સ્યોઘોગ થકી મળેલું હતુ. જેમાં સૌથી વઘુ ફીશની નિકાસમાં સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે હતુ. પરંતુ ફેબ્રુઆરી 2020થી કોવિડની મહામારી સામે ગુજરાત ઝઝુમી રહ્યું છે. તો આ મહામારીની સીધી અસર મત્સ્યોદ્યોગ અને માછીમારી ઉપર પડી હોવાથી હાલ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે.
રાજયમાં નિકાસકારોના કુલ પ્રોડકશનમાંથી 70 ટકા ફીશની ચીનમાં નિકાસ થાય છે
રાજયના ફ્રોઝન ફીશના નિકાસકારોએ ચીનમાં મોકલેલું ફીશના માલનું પેમેન્ટ સમયસર ન આવ્યુ હોવાને કારણે હાલત કફોડી બની ગઇ છે. અમારી જાણકારી મુજબ હાલ સી ફૂડઝના નિકાસકારોના લગભગ 500 લાખ ડોલર જેવી રકમ ફસાઈ છે. જેના કારણે નિકાસકારો બેંકના હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવવાની સાથે મચ્છીના સપ્લાયરો તથા બોટ માલીકો પાસેથી ખરીદેલ મચ્છીના માલનું પેમેન્ટ પણ કરી શકતા નથી. આ પરિસ્થિતિના કારણે નવો માલ ખરીદી તેને નિકાસ કરવો કે કેમ તે પણ મોટી દુવિધા નિકાસકારોને સતાવી રહી છે. રાજયમાં નિકાસકારોના કુલ પ્રોડકશનમાંથી 70 ટકા ફીશની ચીનમાં નિકાસ થાય છે. ત્યારે આવી રીતે પેમેન્ટ અટકાયેલું રહેશે તો ભવિષ્યમાં નિકાસ કરવાની ક્ષમતામાં સદંતર ઘટાડો થશે. આ બાબતે કેન્દ્ર સરકારનું ઘ્યાન દોરી ચીનમાં રહેલા ભારતના રાજદૂત થકી નિકાસકારોનુ પેમેન્ટ છુટ થાય તે માટે કાર્યવાહી કરાવવા આદેશ કરે તેવી માંગણી છે.