ગીરસોમનાથ: સામાન્ય રિતે જિલ્લામાં અને શહેરમાં કફોડી હાલમાં પડેલા રોડ રસ્તાઓનું સમારકામ જલદી કરવામાં આવતુ નથી. પરંતુ જ્યારે કોઈ નેતા કે પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે ત્યારે રાતોરાત રોડ રસ્તાઓ બની જતા હોય છે. જ્યારે યાત્રીઓ અને સ્થાનિકો વતી આ માર્ગો બનાવવા માટે સાંસદ પોતે પ્રયત્નો કરી રહ્યા છે, પણ નેશનલ હાઇવે ઓથોરિટી માત્ર ઠાલા વચનો આપી રહી છે. ત્યાં વળી સત્તા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પ્રવાસ માટે રાતો રાત રસ્તા બનાવનારી ઓથોરીટી બીજી તરફનો રસ્તો એટલા માટે મૂકી દે છે કારણ કે, તેના પર સામાન્ય લોકો પસાર થાય છે અને તેમની કદાચ આધુનિક લોકશાહી કમ રાજાશાહીમાં હવે ચૂંટણી સિવાય જરૂર નથી રહેતી.
શું રસ્તાઓ માત્ર નેતાઓ માટે જ બનાવાય છે..? ગીર સોમનાથમાં પ્રદેશ અધ્યક્ષના આગમનના પુર્વે રાતોરાત થયું રોડ કામ - સી.આર. પાટીલ
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ અને હાઇવે ધોવાઇ ગયા છે. ત્યારે આ રોડ રસ્તાઓને રીપેર કરવા માટે ઓથોરિટી ખોટાં વચનો આપે છે. બીજી તરફ સત્તા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સોમનાથના પ્રવાસ માટે રાતો રાત રસ્તાઓ બની જતા લોકશાહીમાંથી રાજાશાહી તરફ પ્રયાણ કરતી આપણી વ્યવસ્થાને ઉજાગર કરે છે.
ગીરસોમનાથ અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા લોકોને પડતી પારાવાર મુશ્કેલીને સમજીને દિલ્હી સુધી અને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને પણ રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે જવાબમાં વરસાદને કારણે વિલંબ થવાની નેશનલ હાઇવે ઓથોરીટી દલીલ કરી રહી છે.ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સોમનાથથી જૂનાગઢના રોડ શોનો કાર્યક્રમ નક્કી થતાં વરસાદમાં ઓગળી જનારી નેશનલ હાઇવે ઓથોરિટીએ તમામ તાકાત કામે લગાવી અને એક તરફના રસ્તાના ખાડા ભર્યા હતાં. કારણ કે, ત્યાંથી નેતાજી પસાર થવાના હતાં. ત્યારે જનતા માટે માર્ગ રીપેર થતાં હોય પણ નેતાઓ માટે રાતોરાત બનતા રસ્તાઓ કદાચ થોડા દાયકાઓથી લોકશાહીમાંથી રાજાશાહી તરફ પ્રયાણ કરતી આપણી વ્યવસ્થાને ઉજાગર કરે છે.
કોવિડ 19 ને કારણે મહિનાઓ સુધી ચાલેલા લોકડાઉનમાં લોકો ઘરોની અંદર પુરાયા હતા. ત્યારે અનલોક 1 અને 2 પછી લોકો ધીમે ધીમે સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે અને મહિનાઓ ના એકલતાના ત્રાસને દૂર કરવા લોકો ટુરિઝમનો સહારો લઈ રહ્યા છે. ગીર સોમનાથ લોકોનું ફેવરિટ પ્રવાસન સ્થળ હોય છે. પરંતુ ત્યાંના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પડયા છે.