ગુજરાત: બે દિવસ પહેલા સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા વિવિધ મંદિરો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તા.15 ગુરુવારના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું હતું. આકસ્મિક પરિસ્થિતિ અને વાવાઝોડાથી નુકશાનની શક્યતાના પગલે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પાવાગઢ મંદિર, દ્વારકાધીશ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર સહિતના મંદિર પરિસર બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે સ્થિતિ સામાન્ય બનતા હવે આ મંદિર ભક્તો માટે ફરી શરુ કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિર: બિપરજોય વાવાઝોડાના પગલે 24 કલાક માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિરના કપાટ ખુલ્તા જ ભક્તોના અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌપ્રથમ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ઉપરાંત મંદિર પર 52 ગજની ધ્વજાજી ચડાવવામાં આવી હતી. હર્ષ સંઘવીએ આ ધજા માથે લઇને પ્રદક્ષિણા કરી હતી.
પાવાગઢ મંદિર:પાવાગઢ મંદિર પણ વાવાઝોડાના પગલે બંધ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા બે દિવસથી મંદિરમાં ભક્તો માટે દર્શન અને રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. પરંતુ રોપ-વે સેવા હજુ પણ બંધ છે. રોપ-વે સેવા ફરી ક્યારથી કાર્યરત થશે તે અંગે હજુ નિર્ણય બાકી છે.